નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરિઝ ચાલી રહી છે. હાલમાં સિડનીમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પરંતુ ભારતીય ટીમ પોતાના ખેલાડીઓની ઈજાને લઈને પરેશાન છે. એક પછી એક કરીને ટીમના કુલ પાંચ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ ગયા છે. તેમાંથી ચાર ખેલાડી તો એવા છે જે સીરિઝને અધવચ્ચેજ છોડીને ભારત પરત ફરવું પડ્યું છે. એવામાં સ્થિતિ એવી થઈ ગઈ છે કે, કોઈ પણ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા એક પ્લેઈંગ ઈલેવન સાથે નથી ઉતરી રહી.
રવિન્દ્ર જાડેજા


ત્રીજી ટેસ્ટ મેચમાં જાડેજાએ શાનદાર પ્રદર્શન કરનાર ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના ડાબા અંગૂઠામાં ફ્રેક્ચરના કારણે બ્રિસબેનમાં 15 જાન્યુઆરીથી રમાનારી સીરિઝની અંતિમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. રવિન્દ્ર જાડેજાના ડાબા હાથના અંગૂઠામાં ડિસ્લોકેશન અને ફ્રેક્ચર છે. તેના માટે બેટિંગ કરવું મુશ્કેલ રહેશે. ઓછામાં ઓછા બેથી ત્રણ અઠવાડિયા રમતથી દૂર રહેશે. તેથી તે અંતિમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં જાડેજાએ અણનમ 28 રન બનાવ્યા હતા. તેણે ઝડપથી રમતા 27 બોલમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે પ્રથમ ઇનિંગમાં બોલિંગ કરતાં જાડેજાએ સૌથી વધારે ચાર વિકેટ લીધી હતી. તેણે પ્રથમ ઇનિંગમાં 18 ઓવરમાં 62 રન આપીને ચાર વિકેટ લીધી હતી.

મોહમ્મદ શમી

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ડે નાઈટ ટેસ્ટ દરમિયાન ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શમીના કાંડામાં ઈજા થતા તે ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઈ ગયો હતો. મોહમ્મદ શમી બીજી ઈનિંગમાં બેટિંગ કરતી વખતે ઘાયલ થયો હતો. શમીએ આ ઇજાના કારણે રિટાયર હર્ટ થવું પડ્યું હતું અને તે ફિલ્ડિંગ કરવા પણ નહોતો આવ્યો. હવે તેનો મેડિકલ રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં કાંડામાં ફેક્ચરની પુષ્ટી થઈ છે.
ઉમેશ યાદવ

મેલબર્નમાં રમાયેલી બીજી ટેસ્ટ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવ ઇજાગ્રસ્ત થયો હતો. તેની ઈજાને લઈ સ્કેનિંગ પણ કરવામાં આવ્યું હતું. જેમાં તેની ઇજા ગંભીર પ્રકારની હોવાનું જાહેર થયા બાદ સીરિઝની અન્ય મેચમાંથી બહાર થઈ ગયો હતો.
કેએલ રાહુલ

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ ટેસ્ટ સીરિઝમાં એક પણ મેચ રમ્યો નથી પરંતુ તેને અંતિમ ટેસ્ટમાં ટીમમાં સ્થાન આપવામાં આવશે એવી આશા વ્યક્ત કરાઈ રહી હતી. જો કે તેના પહેલા એક પ્રેક્ટિસ સેશન દરમિયાન તેને કાંડામાં ઈજા થઈ હતી. જેના કારણે હવે તે ટેસ્ટ સીરિઝ રમવાની હાલતમાં નથી. તેને હવે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. સીરિઝની પ્રથમ બંને ટેસ્ટમાં પણ તેને સામેલ કરવામાં આવ્યો નહોતો.
રિષભ પંત

સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે પંત કમિંસનો બોલ પર પુલ શોટ ફટકારવાના પ્રયાસમાં તે ચુકી ગયો હતો અને બોલ તેના જમણા હાથની કોણીમાં વાગ્યો હતો. વિકેટકીપર અને બેટ્સમેન રિષપ પંતને સ્કેન માટે મોકલવામાં આવ્યા હતા. જો કે, પંત પણ બીજી ઇનિંગમાં બેટિંગ કરશે કે નહીં તે પણ નક્કી નથી.