ભોપાલ: મધ્યપ્રદેશમાં લવ-જેહાદ વિરુદ્ધનો કાયદો શનિવારથી અમલમાં આવ્યો છે. આ સંબંધિત ધર્મ સ્વતંત્રતા અધ્યાદેશ 2020ને રાજ્યપાલની મંજૂરીના 48 કલાકની અંદર જ રાજ્યના ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે.


રાજ્યપાલ આનંદીબેન પટેલે ગુરુવારે અધ્યાદેશ પર સહી કરી હતી. મધ્યપ્રદેશના રાજપત્રમાં તેને પ્રકાશિત કરતાની સાથે જ આ કાયદો બની ગયો છે. આ કાયદાનો હેતુ લાલચ આપી લગ્ન કરી અને બાદમાં ધર્મ પરિવર્તન કરાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરવા માટેનો છે.  દસ પાનાના આ જાહેરનામામાં લવ જિહાદ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ ધર્મ પરિવર્તનની પ્રક્રિયામાં સામેલ થનારા લોકો અને લગ્ન કરનારા પંડિત તથા મૌલવીઓને પણ તેમા સજાની જોગવાઈ છે. આ કાયદામાં આરોપીને એક વર્ષથી લઈ 10 વર્ષ સુધીની કઠોર કેદની સજા અને 50 હજાર રૂપિયા દંડની જોગવાઈ છે.

મુખ્યમંત્રી સિવરાજ સિંહ ચૌહાણે દાવો કર્યો છે કે, રાજ્યમાં સતત સામે આવી રહેલા બનાવો અને તેમાં થયેલી દિકરીઓની દુર્દશા સામે આવ્યા બાદ એક કડક કાયદાની માંગ છેલ્લા લાંબા સમયથી હતી. તેથી આ કાયદો બનાવવામાં આવ્યો છે.