કેનબરા:  ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કેનબરામાં પ્રથમ ટી-20 મેચમાં રવિન્દ્ર જાડેજાની જગ્યાયે યુઝવેન્દ્ર ચહલ મેદાનમાં ઉતરતા વિવાદ થયો હતો. યુઝવેન્દ્ર ચહલ ‘કન્કશન સબ્સ્ટીટ્યૂટ’ ખેલાડી તરીકે જાડેજાની જગ્યાએ મેદાનમાં ઉતર્યો હતો. તેના પર ઓસ્ટ્રેલિયાના કોચ વાંધો ઉઠાવ્યો હતો. આ નિર્ણયને લઈ કોચ જસ્ટિન લેંગરે આઈસીસી રેફરી ડેવિડ સાથે કકળાટ પણ કર્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 11 રનથી હરાવ્યું હતું અને ચહલે ત્રણ વિકેટ પણ લીધી હતી.
વાસ્તવમાં ત્રણ ટી20 સિરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાની ઇનિંગ્સ દરમિયાન 19મી ઓવરમાં જાડેજાએ હેમ સ્ટ્રિંગની ફરિયાદ કરી હતી. તેના બાદ 20મી ઓવરમાં મિચેલ સ્ટાર્કેની બોલિંગમાં જાડેજાને માથામાં બોલ વાગ્યો હતો. બેટિંગ પૂરી થયા બાદ તેને ચેકઅપ માટે બીસીસીઆઈની મેડિકલ ટીમે રોકી લીધો હતો. બોલ હેલમેટ પર વાગ્યા બાદ ઈનિંગ પૂરી થતા મેડિકલની ટીમે રવિન્દ્ર જાડેજાને અસેસમેન્ટ કરવા માટે તેને ડ્રેસિંગ રૂમમાં જ રોકી લીધો અને તેની જગ્યાએ ચહલને સબ્સટીટયૂટ તરીકે મેદાન પર ફીલ્ડિંગ માટે ઉતાર્યો હતો. ચહલ જે પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો, તેણે બોલિંગ પણ કરી હતી.



ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2019માં ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમનાર એશિઝમાં સબ્સ્ટિટયૂટ ખેલાડીઓ સંબંધિત એક નવો નિયમ લાગુ પાડ્યો હતો. કન્કશન ઇન્જરી થઇ હોય તો નવો ખેલાડી તેને રિપ્લેસ કરી શકે છે. જો કોઈને માથા કે ડોકમાં વાગ્યું હોય તો નવા નિયમ મુજબ ટીમ તે ખેલાડીને રિપ્લેસ કરી શકે છે.

જાડેજાએ 23 બોલ પર અણનમ 44 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાને 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયન ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 150 રન જ કરી શકી હતી. આરોન ફિન્ચે 35, ડાર્સી શોર્ટ 34 અને મોઝેઝ હેનરિક્સે 30 રન કર્યા. જ્યારે ભારત માટે ટી. નટરાજન અને યુઝવેન્દ્ર ચહલે 3-3 વિકેટ લીધી.