Pakistan Cricket Team: આઇસીસી ટી20 વર્લ્ડકપ (ICC T20 WC) ની બીજી સેમિ ફાઇનલમાં પાકિસ્તાનને ઓસ્ટ્રેલિયા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો, આ સાથે વર્લ્ડકપમાં અજેય રહેલી પાકિસ્તાનની ટીમનુ ટી20 વર્લ્ડ ચેમ્પિયન બનવાનુ સપનુ રોળાઇ ગયુ છે. પાકિસ્તાનની હાર પર હવે દેશમાં એક મોટો વિવાદ ઉભો થઇ ગયો છે. ક્રિકેટ દિગ્ગજો પાક ખેલાડીઓને આ હાર માટે દોષી ઠેરવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે સેમિ ફાઇનલ મેચમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને જબરદસ્ત રીતે ટક્કર આપી હતી પરંતુ મેથ્યૂ વેડે ઉપરાછાપરી ત્રણ છગ્ગા ફટકારીને મેચમાં બાજી પલટી નાંખી હતી. હવે પાકિસ્તાનનો પૂર્વ ક્રિકેટ શાહિદ આફ્રિદી પોતાના જમાઇ શાહિન આફ્રિદી પર ગિન્નાયો છે, અને તેને ખરીખોટી સંભળાવી રહ્યો છે. 


પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદી ટીમની હારથી નિરાશ છે, શાદિદ આફ્રિદીએ આ મેચમાં નિરાશાજનક પ્રદર્શન કરનારા પોતાના જમાઇ શાહિન આફ્રિદી પર ભડક્યો છે. એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા શાહિદ આફ્રિદીએ કહ્યું કે શાહિન આફ્રિદીએ સારી બૉલિંગ ના કરી, અને આના કારણે ટીમે મેચ ગુમાવી દીધી. ખરેખરમાં 19મી ઓવરમાં શાહિન આફ્રિદીના બૉલ પર ઓસ્ટ્રેલિયન ખેલાડી મેથ્યૂ વેડે સળંગ ત્રણ છગ્ગા ફટકારીને પાકિસ્તાનના હાથમાં મેચ ઝૂંટવી લીધી હતી. 


શાહિદ આફ્રિદીએ કહ્યું કે, શાહિને 19મી ઓવરમાં સારી બૉલિંગ કરવી જોઇતી હતી. હું શાહિનના પ્રદર્શનથી ખુશ છુ, પણ તે ઓવરમાં હસન અલીએ કેચ ડ્રૉપ કરી દીધો, તો તેનો મતલબ એ નથી કે તમે બૉલિંગની લય ભૂલી જાઓ, અને ત્રણ છગ્ગા આપી દો. શાહિનની આ ઓવર ખુબ મોંઘી પડી અને તેને 22 રન આપી દીધા, જેના કારણે ઓસ્ટ્રેલિયા મેચ જીતી ગયુ. 


શાહિદ આફ્રિદીએ કહ્યું કે, શાહિન એક સારો બૉલર છે અને તેની પાસે સારી સ્પીડ છે, તેને સમજદારીથી સેમિ ફાઇનલમાં આનો ઉપયોગ કરવો જોઇતો હતો, તે એવો બૉલર નથી, જે આ રીતે રન આપી દે. પાકિસ્તાનના સ્ટાર બૉલર શાહિન આફ્રિદીએ સેમિ ફાઇનલમાં 4 ઓવર નાંખીને 35 રન આપીને એક વિકેટ ઝડપી હતી. તેને શરૂઆતી ત્રણ ઓવરમાં લયમાં રહ્યો હતો, પરંતુ ચોથી ઓવરમાં તેને રિધમ બગાડી દીધી હતી.


ખાસ વાત છે કે શાહિદ આફ્રિદીની દીકરી અક્સાના શાહિન આફ્રિદીની સાથે લગ્ન થવાના છે, રિપોર્ટ્સનુ માનીએ તો બહુ જલ્દી આની અધિકારીક જાહેરાત કરવામાં આવી શકે છે. આને લઇને બન્ને પરિવાર રાજી છે અને એકબીજા સાથે આના વિશે વાત અને ચર્ચાઓ પણ કરી ચૂક્યા છે.