કાળજુ કંપાવી નાંખે તેવા દ્રશ્યો  પાટણમાંથી સામે આવ્યા છે જ્યાં એક યુવતી પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. મનુષ્યના વેશ ધારણ કરેલા કેટલાક રાક્ષસો યુવતીને તાલિબાની સજા આપી રહ્યા છે. પહેલા યુવતીનું મોઢુ કાળુ કરવામાં આવ્યુ. બાદમાં યુવતીનું મુંડન કરવામાં આવ્યુ. આટલેથી એ રાક્ષસોના જીવને શાંતિ ન મળી તો યુવતીના માથા પર ગરમ દેતવા મુકવામાં આવ્યા. અને આખા વિસ્તારમાં ફેરવવામાં આવી.


ઘટના પાટણના હારીજના વાદીવસાહતની છે. જ્યાં આ યુવતીને વસાહતના કેટલાક લોકોએ પ્રેમ કરવાની તાલિબાની સજા આપી. આ વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો. પ્રેમી સાથે ભાગી ગયેલી યુવતીને સમાજના રક્ષકોના નામે રાક્ષસ બની ગયેલા કેટલાક લોકોએ તાલિબાની સજા આપી. યુવતી રડતી રહી છે. પોતાને છોડી દેવા માટે કગરતી રહી પરંતુ આ શખ્સોએ તેની એક ન સાંભળી અને અનામુષી અત્યાચાર ગુજારતા રહ્યા.


વીડિયો વાયરલ થતા પાટણ પોલીસ વડા અને કલેક્ટર હારીજ દોડી આવ્યા હતા. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પણ આ ઘટનાને દુઃખદ ગણાવી હતી. પોલીસે કાર્રવાઈ કરીને 17 જેટલા આરોપીઓની અટકાયત કરી. આવી ઘટના ન બને તે માટે પોલીસે પણ કડક કાર્રવાઈ કરીને આરોપીને કડક સજા થાય તે માટેની કામગીરી શરૂ કરી છે. સાથે જ પીડિતાને પણ પોલીસ રક્ષણ સાથે તેની ઈચ્છા હશે ત્યાં મોકલી આપવામાં આવશે.


એબીપી અસ્મિતાના સંવાદદાતાએ જ્યારે આ સમગ્ર ઘટના અંગે વાદી વસાહતમાં રહેતા લોકો સાથે વાત કરી તો તેઓએ આ તાબિલાની સજાને રિવાજ ગણાવ્યો. ત્યાના લોકોનું કહેવુ છે કે આ કાયદો વર્ષોથી ચાલ્યો આવે છે. કોઈપણ યુવતી અને યુવક પ્રેમ કરી ભાગી જાય તો તેની સાથે આ જ રીતે વર્તન કરવામાં આવે છે.


હારીજમાં બનેલી આ જ દુઃખદ અને કાળજુ કંપાવી નાંખે તેવી ઘટના બાદ ગુજરાત મહિલા આયોગ પણ હરકતમાં આવ્યું છે. મહિલા આયોગે પાટણ એસપીને સમગ્ર ઘટના અંગે તાત્કાલિક તલસ્પર્શી રિપોર્ટ આપવા સૂચના આપી છે. સાથે જ ઘટનામાં સંડોવાયેલા તમામ લોકોને કડક સજા થાય તે અંગેની કાર્રવાઈ કરવાનું પણ સૂચન કર્યું છે. મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયાએ સમગ્ર ઘટનાને વખોડતા આ ઘટનાને દુઃખદ ગણાવી હતી.