નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાનની વચ્ચે એડિલેડમાં રમાઈ રહેલ સીરીઝની બીજી ટેસ્ટ મેચમાં સ્ટીવ સ્મિથે 73 વર્ષ જૂનો રેકોર્ડ પોતાના નામો કર્યો છે. એક વર્ષના બેન બાદ એશેઝ સીરીઝથી ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરનાર સ્મિથે બેટિંગમાં સતત રનનો વરસાદ કર્યો છે. આ મેચમાં પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન અને મહાન બેટ્સમેન ડોન બ્રેડમેનને પાછળ છોડવાની સાથે વર્ષ 1946માં વોલી હેમંડ દ્વારા બનાવવામાં આવેલ વર્લ્ડ રેકોર્ડ પણ તોડ્યો છે.


સ્મિથે તેની 70મી ટેસ્ટ મેચની 126મી ઇનિંગ્સમાં ઝડપી બોલર મોહમ્મદ મૂસાના બોલ પર એક રન લઇને વોલી હેમંડનો 73 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. ઇંગ્લેન્ડના આ પૂર્વ બેટ્સમેને ભારત વિરુદ્ધ ઓવલમાં વર્ષ 1946માં 131 ટેસ્ટ ઇનિંગ્સમાં 7000 રન પૂરા કર્યા હતા.


ભારતના ધુરંધર ઓપનર વીરેન્દ્ર સહેવાગ આ યાદીમાં ત્રીજા નંબર પર છે. સેહવાગે 73 મેચ અને 134 ઇનિંગ્સમાં 7000 રન પૂરા કર્યા હતા. ગૈરી સોબર્સ, કુમાર સંગાકારા અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ 138 ઇનિંગ્સમાં ટેસ્ટ ક્રિકેટમાં 7000 રનનો આંકડો પાર કર્યો.

બે ટેસ્ટ મેચની સીરીઝ પહેલા મેચમાં ઇનિંગ્સ અને પાંચ રનથી જીત હાંસલ કરનાર ઓસ્ટ્રેલિયા ટીમે બીજી મેચમાં પણ તેની પકડ મજબૂત કરી લીધી છે. ઓપનર ડેવિડ વોર્નરે પણ બીજા દિવસે ડબલ સદી ફટકારી.