એજબેસ્ટન: ઓસ્ટ્રેલિયન ટીમ ગુરૂવારે એજબેસ્ટન ખાતે યજમાન ઈંગ્લેન્ડ સામે વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલ રમશે. સાઉથ આફ્રિકા સામેની છેલ્લી રાઉન્ડ રોબિન લીગમાં મળેલા પરાજયનો ભલે ટીમ પર કોઈ ફરક ન પડ્યો હોય પરંતુ કોચ જસ્ટિન લેંગરે ખેલાડીઓની રિધમ પાછી લાવવા માટે એક નવો અખતરો અજમાવ્યો હતો.

પ્રેક્ટિસ દરમિયાન ખેલાડીઓને નેટ્સ પર જતાં પહેલાં લેંગરે ખુલ્લા પગે ગ્રાઉન્ડમાં ફરવાની સલાહ આપી હતી. રસપ્રદ બાબત એ છે કે, માત્ર ખેલાડીઓ જ નહીં પરંતુ ટીમનો કોચિંગ સ્ટાફ પણ ગ્રાઉન્ડમાં ખુલ્લા પગે ફર્યો હતો.

ઓસ્ટ્રેલિયન વેબસાઈટ બેરફૂટ હિલિંગે આ અખતરાને અર્થિંગ તરીકે બતાવ્યો હતો. આવું કરવાથી લોકોને પૃથ્વી સાથે જોડાઈને તેની નૈસર્ગિક ઉર્જા પ્રાપ્ત કરવાની તક મળે છે જેના કારણે શરીરના બાયોલોજિકલ રિધમ પાછા તાલમેલમાં ગોઠવાઈ જાય છે. ઓસ્ટ્રેલિયાની ન્યૂ સાઉથ વેલ્સની રગ્બી ટીમ પણ ઘણી વખત આ પ્રયોગ કરી ચૂકી છે.

લેંગરે ખેલાડીઓને એકસાથે ખુલ્લા પગે ફરવા ઉપરાંત સતત વર્લ્ડ કપ અંગે વાતચીત કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. લેંગરને કોચ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે જે શરૂઆતથી જ પોતાની વિવિધ પ્રકારની કોચિંગના કારણે ચર્ચામાં રહેતો આવ્યો છે.

ઉસ્માન ખ્વાજાના ઇજાગ્રસ્ત થયા બાદ ટીમ સાથે જોડાયેલા પીટર હેન્ડ્સકોમ્બે લેંગરના આ પ્રયોગનો અનોખો અનુભવ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, ખેલાડીઓ પોતાના પગની નીચે ગ્રાસનો અનુભવ કરી રહ્યા હતા અને તેનાથી શરીરને ધરતીની સકારાત્મક એનર્જી મળતી હોય તેવું લાગી રહ્યું હતું. આ સાથે બેસીની વાતચીત કરવી તથા વર્લ્ડ કપના સ્વપ્ન અંગે ઘણી ખેલાડીઓએ મુક્તમને વાતચીત કરી હતી.