IND vs AUS: ભારત વિરુદ્ધ પ્રથમ ટી20 મેચમાં હારનો સામનો કર્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઑલરાઉન્ડર એશ્ટન એગર ઈજાના કારણે ટી20 સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એગરના ટી20 સીરિઝમાંથી બહાર થવાની જાણકારી આપી હતી.

એગરના રિપ્લેસમેન્ટ તરીકે નાથન લોયન ઓસ્ટ્રેલિયાઈ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું કે, એગર ઈજાના કારણે બાકીની બે ટી20 મેચમાં ટીમનો હિસ્સો નથી. એગરના સ્થાને નાથન લોયન ટીમ સાથે જોડાશે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ફિંચની ઈજા પર પણ અપડેટ આપતા પોતાના નિવેદનમાં કહ્યું કે, પ્રથમ મેચમાં ઈજાગ્રસ્ત થયા બાદ ફિંચનું સ્કેન કરવામાં આવ્યું છે. સ્કેનનો રિપોર્ટ આવવાની રાહ જોઈ રહ્યા છીએ, તેના બાદ તે ટી20 સીરિઝમાં રમશે કે નહીં તે અંગે નિર્ણય લેવાશે.

ટી20 સીરિઝમાં 0-1થી હાર બાદ ખેલાડીઓનું ઈજાગ્રસ્ત થયું ઓસ્ટ્રેલિયા ટીમની મુશ્કેલી વધારી શકે છે. ડેવિડ વોર્નર પહેલાથી જ બીજી વનડે મેચમાં ઈજાગ્રસ્ત થયો છે અને લિમિટેડ ઓવર સીરિઝમાંથી બહાર થઈ શકે છે. ફિંચ પણ બહાર હોવાની સ્થિતિમાં ઓસ્ટ્રેલયાઈ ટીમના બે નવા ઓપનર્સ સાથે રમવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની સીરિઝની બીજી ટી20 મેચ રવિવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.