નવી દિલ્હીઃ ટેસ્ટ ક્રિકેટને વધારે રોમાંચક બનાવવા માટે સતત નવા નવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. પારંપરિક ટેસ્ટ મેચને ડે નાઈટ કરવામાં આવ્યો, બો લાલના બદલે ગુલાબી થઈ ગયો. હવે ઓસ્ટ્રેલિયામાં દર્શકો માટે કંઈક નવો પ્રયોગ શરૂ થયો છે. ગરમીમાં ટેસ્ટ મેચ જોવા સમયે ફેન્સ ખુદને કુલ રાખી શકે તેના માટે સ્વીમિંગ પૂલ તૈયાર કરવામાં આવ્યો છે.




હાલમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની વચ્ચે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ડે નાઈટ ટેસ્ટ મેચ ચાલી રહી છે. પર્થ સ્ટેડિયમમાં અહીં દર્શકો ગરમીમાં પણ ખુદને કૂલ રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અહીં મેચની મજા લેવા માટે બાઉન્ડ્રી લાઈનની બહાર પૂલ બનાવવામાં આવ્યો છે. આ પૂલને ‘બાઉન્ડ્રી બીચ ક્લબ’ નામ આપવામાં આવ્યું છે. આ પ્રથમ ઘટના છે જ્યારે કોઈ ક્રિકેટ મેચમાં પૂલની પણ વ્યવસ્થા કરવામાં આવી હોય.



સ્વિમિંગ પૂલમાં બેસીને મેચ જોવા માટે દર્શકોએ 250 ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે લગભગ 12 હજાર રુપિયાની કિંમત ચુકવવી પડશે. આ કિંમતમાં દર્શકો બે કલાક સુધી પૂલમાં મોજ મસ્તી કરી શકે છે. આ દરમિયાન તેમને લંચ અને ડ્રિક્સ પણ મળશે.



આ પૂલને બ્રાઉન્ડી બીચ ક્લબ નામ આપવામાં આવ્યું છે. 14 મીટર લાંબા આ પૂલમાં 100 લોકો એક સાથે બેસીને મેચ જોઈ શકે છે. આયોજકોના મતે દરેક બે કલાક પછી પૂલની સફાઇ કરવામાં આવશે અને બે લાઇફ ગાર્ડ ત્યાં હંમેશા રહેશે.