કાબુલઃ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ફિક્સિંગ સાથે સંકળાયેલા મામલે મોટી કાર્યવાહી કરી છે. બોર્ડે ઘરેલુ સ્તર પર કોચ નૂર મોહમ્મદ લલાઈને મેચ ફિક્સિંગના આરોપમાં તમામ પ્રકારની ક્રિકેટ ગતિવિધિમાં ભાગ લેવા પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે.


નૂર મોહમ્મદ સ્પોટ ફિક્સિંગ માટે રાષ્ટ્રીય ટીમના ખેલાડી સાથે સંપર્ક કરવા દોષી જણાયો હતો. તે કપિસા પ્રાંતનો સહાયક કોચ અને હંપાલાના એકેડમીનો પૂર્ણકાલિન કોચ હતો. રાષ્ટ્રીય ટીમના ખેલાડીએ તેનો રિપોર્ટ કર્યો હતો. એસીબીએ આ ખેલાડીની ઓળખ જાહેર નથી કરી. આ અગાઉ એસીબીએ ત્રણ મહિના પહેલા પૂર્વ વિકેટકિપર બેટ્સમેન શફીકઉલ્લાહ શાફાક પર મેચ ફિક્સિંગના આરોપમાં છ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો.

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે, નૂર મોહમ્મદ ફિક્સિંગ કરવા તથા ફિક્સિંગ કરાવવાના આરોપમાં સામેલ હતો. બોર્ડ મુજબ ઘરેલુ ક્રિકેટમાં ફિક્સિંગ ગંભીર મામલો હતો અને તેના પર આકરો સંદેશ આપવો જરૂરી હતો.
નૂર મોહમ્મદ પર ગત વર્ષે નેશનલ ટીમના ખેલાડીએ સ્પોટ ફિક્સિંગનો આરોપ લગાવ્યો હતો. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે નૂર મોહમ્મદે તેની પર લગાવવામાં આવેલા આરોપો સ્વીકારી લીધા છે.