નવી દિલ્હીઃ બાંગ્લાદેશના ટેસ્ટ અને ટી-20 કેપ્ટન શાકિબ અલ હસન પર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર પર ભ્રષ્ટ રજૂઆતની જાણકારી નહી આપવાના બદલામાં કાર્યવાહી કરવામાં આવી છે. ભારત પ્રવાસ અગાઉ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને આ મોટો ઝટકો લાગ્યો છે. ભારત પ્રવાસમાં બાંગ્લાદેશ ત્રણ ટી-20 મેચ સિવાય  બે ટેસ્ટ મેચ પણ રમશે. બાંગ્લાદેશના કેપ્ટન અને વન-ડેના ટોપ ઓલરાઉન્ડર શાકિબ અલ હસન પર બે વર્ષનો પ્રતિબંધમાં એક વર્ષના સસ્પેન્ડેડ સામેલ છે. તેણે આઇસીસીના એન્ટી કરપ્શન કોડને ભંગ કરવાના ત્રણ આરોપોનો સ્વીકાર કર્યો છે. આ પ્રતિબંધ તમામ  ફોરમેટ પર લાગુ થશે. તે 29 ઓક્ટોબર 2020 સુધી  બાંગ્લાદેશ ટીમ તરફથી રમી શકશે નહીં. જેને લઇને 32 વર્ષના શાકિબે કહ્યું કે, મને ખૂબ દુખ છે કે જે રમતને હું પ્રેમ કરું છું તેના રમવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. હું ભ્રષ્ટ જાણકારી નહી આપવાની ભૂલનો સ્વીકાર કરું છું. આઇસીસી એસીયૂ ખેલાડીઓ પર ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઇમાં એક કેન્દ્રિય ભૂમિકા નિભાવવા માટે નિર્ભર છે અને મેં એવું કર્યું નથી. શાકિબ આગામી વર્ષે યોજાનારી આઇપીએલ સિવાય 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર 2020 સુધી ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપમાં પણ રમી શકશે નહીં. શાકિબ પર આરોપ હતો કે તેણે બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઝીમ્બાબ્વે વિરુદ્ધ જાન્યુઆરીમાં રમાયેલી ત્રિકોણીય સીરિઝ 2018 અને આઇપીએલ 2018 દરમિયાન સટ્ટાબાજોએ તેનો સંપર્ક કર્યો હતો પરંતુ તેણે આ વાત આઇસીસીની  એન્ટી કરપ્શન યુનિટને આપી નહોતી. શાકિબ પર બુકી દ્ધારા તેનો સંપર્ક કરાયાની જાણકારી છૂપાવ્યા હોવાનો આરોપ હતો. જેનાથી આઇસીસી નારાજ હતી. એક નિવેદનમાં  આઇસીસીએ કહ્યું કે, શાકિબ સીનિયર ખેલાડી છે અને તેણે એન્ટી કરપ્શન આઇસીસી દ્ધારા આયોજીત અનેક સેમિનારમાં ભાગ લીધો છે એટલા માટે તે જાણતો હતો કે જ્યારે બુકી તેનો સંપર્ક કરે તો તેણે શું કરવું જોઇએ પરંતુ તેણે નિયમો જાણતો હોવા છતાં આઇસીસીને તેની જાણકારી આપી નહી જેને કારણે તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો.