મુંબઇઃ મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાને લઇને ભાજપ-શિવસેના વચ્ચે નિવેદનબાજી ચાલી રહી છે. આ વચ્ચે ભાજપના સાંસદ સંજય કકાડેએ દાવો કર્યો હતો કે, મહારાષ્ટ્રમાં શિવસેનાના નવા ચૂંટાયેલા લગભગ 45 ધારાસભ્યો ભાજપ સાથે હાથ મિલાવીને સરકાર બનાવવા માટે રાજી છે. તેમણે કહ્યું કે, શિવસેનાના  56માંથી 45 ધારાસભ્યોએ ભાજપ સાથે હાથ મિલાવીને  સરકાર બનાવવાની પોતાની ઇચ્છા જાહેર કરી છે. તેઓ અમને ફોન કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓને સરકારમાં સામેલ કરી લે. કકાડેએ કહ્યું કે, શિવસેનાના ધારાસભ્ય કહી રહ્યા છે કે પછી ભલે જે પણ થાય પરંતુ અમને ભાજપ સાથે સરકારનો હિસ્સો બનવા માંગીએ છીએ.


કકાડે કહ્યું કે, 45 ધારાસભ્યોનું વલણ છે કે સરકાર બનાવવા માટે ભાજપ અને  શિવસેનાએ હાથ મિલાવી દેવો જોઇએ. કકાડેએ એવા સમયમાં શિવસેના ધારાસભ્યોને લઇને દાવો કર્યો છે જ્યારે મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે આગામી સરકારની  રચના ભાજપના નેતૃત્વમાં જ થશે. તેમણે કહ્યું કે, પુરા પાંચ વર્ષ માટે હું મુખ્યમંત્રી બનીશ.

ફડણવીસે આજે કહ્યું કે, લોકસભા ચૂંટણી અગાઉ જ્યારે ગઠબંધનને અંતિમ રૂપ આપવામાં આવ્યું ત્યારે શિવસેનાને અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદનું કોઇ વચન આપવામાં આવ્યું નહોતું. નોંધનીય છે કે ઉદ્ધવ ઠાકરેએ પરિણામના દિવસે દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણી અગાઉ તેમની અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી ફડણવીસ સાથે બેઠક થઇ હતી. આ બેઠકમાં શાહે વચન આપ્યું હતું કે, વિધાનસભામાં 50-50નો ફોર્મુલા લાગુ કરીશું.