નવી દિલ્હીઃ વર્લ્ડકપ સેમી ફાઈનલમાં હાર્યા બાદ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના પ્રદર્શનને લઈને અનેક વાતો થઈ રહી છે. સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તેની નિવૃત્તીની સંભાવનાઓ પર પણ ચર્ચા થઈ રહી છે. બીસીસીઆઈના કાર્યકારી અધ્યક્ષ સીકે ખન્ના અને પીએસીના સભ્ય ડાયના ઈડુલ્જીએ પણ આ મામલે પોતાના વિચાર સામે રાખ્યા છે.



ધોનીના સંન્યાસની અટકળો પર ડાયના ઇડુલ્જીએ કહ્યું કે, સમગ્ર ટૂર્નામેન્ટમાં તેઓએ જે રીતે પ્રદર્શન કર્યુ તેના વખાણ કરું છું. તે (નિવૃત્તી) તેમનો અંગત નિર્ણય છે. માત્ર તે જ નિર્ણય લઈ શકે છે અને માત્ર તેઓ જ આ વિશે જણાવી શકે છે. મને લાગે છે કે તેમનામાં ઘણું ક્રિકેટ બચ્યું છે. ટીમના યુવા સભ્યોને તેમના માર્ગદર્શનની જરૂર છે.

ટીમ ઈન્ડિયાની રમત પર તેમણે કહ્યું કે, ટીમ સારું રમી. ખરાબ નસીબ રહ્યા કે રમત બે દિવસ ચાલી. ત્રણ વિકેટ વહેલી પડવાથી ટીમ બેકફૂટ પર આવી ગઈ. પરંતુ રવિન્દ્ર જાડેજા અને ધોનીએ સારી વાપસી કરાવી. ઘણી નજીકનો મુકાબલો હતો તેમ છતાંય જીત દૂર રહી ગઈ. જાડેજા અને ધોનીને સલામ જેઓએ આ પ્રકારની રમત દર્શાવી.



સીકે ખન્નાએ પણ ટીમ ઈન્ડિયાની રમતના વખાણ કર્યા. તેઓએ કહ્યું કે, ઘણો જોરદાર મુકાબલો હતો અને મને લાગે છે કે અમારા ખેલાડી દીલેરીથી રમ્યા. કોઈ પણ હારવા નથી માંગતું. પ્રત્યેક ખેલાડીએ ઘણી મહેનત કરી પરંતુ તે પૂરતી નથી. લીગ ફેઝમાં ભારત સુંદર રમ્યું. મને વિશ્વાસ છે કે આપણી ટીમ અથાગ મહેનત કરશે અને આવનારા સમયમાં સફળતા મેળવશે.