નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ઉપ કેપ્ટન અને ઓપનર બેટ્સમેન રોહિત શર્મા છેલ્લા 2-3 વર્ષથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. પોતોના પ્રદર્શનનના દમ પર રોહિત શર્માએ વનડે અને ટી20માં અનેક રેકોર્ડ્સ બનાવ્યા છે. ત્યારે તેના શાનદાર પ્રદર્શનને જોતાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે દેશના સૌથી મોટા સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન માટે નામની ભલામણ કરી છે.


રોહિત શર્મા સિવાય બે સીનિયર ખેલાડી શિખર ધવન અને ઈશાંત શર્માને પ્રતિષ્ઠિત અર્જૂન એવોર્ડ આપવાની પણ ભલામણ કરવામાં આવી છે. તે સિવાય મહિલા ટીમની ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને પણ ખેલ રત્ન માટે નામાંકિત કરવામાં આવ્યા છે. બીસીસીઆઈએ 30મે ના રોજ નિવેદન જાહેર કરી જાણકારી આપી હતી.


રોહિત શર્માએ 2019માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગત વર્ષે વનડે માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો. સાથે વર્લ્ડકપમાં પણ તેમણે પાંચ સદી નોંધાવી અને સૌથી વધુ રન(548 રન) બનાવ્યા હતા. આ સિવાય ટી20માં 100 ઈન્ટરનેશનલ મેચ રમનાર તે પ્રથમ પુરુષ ભારતીય ક્રિકેટ પણ બન્યો, જ્યારે ટેસ્ટમાં પણ સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાં 3 સદી ફટકારી હતી.