નવી દિલ્હીઃ રાહુલ દ્રવિડને બીસીસીઆઈનના કંડક્ટ અધિકારીએ હિતોના ટકરાવના આરોપોમાં નોટિસ ફટકારી છે. બોર્ડના નૈતિક અધિકારી ડીકે જૈને મધ્ય પ્રદેશ ક્રિકેટ સંઘના સભ્ય સંજીવ ગુપ્તાની ફરિયાદ પર આ નોટિસ ફટકારી છે. સંજીવ અનુસાર દ્રવિડ હિતોના ટકરાવની હદમાં આવે છે, જે એનસીએ ડાયરેક્ટર હોવાની સાથે સાથે ઇન્ડિયા સીમેન્ટ ગ્રુપના ઉપાધ્યક્ષ પણ છે. ઈન્ડિયા સીમેન્ટ પાસે IPL ફ્રેન્ચાઈઝી ચેન્નઈ સુપરકિંગ્સની માલિકી છે.


જૈને PTIને કહ્યું કે, ‘હા, મેં ફરિયાદ મળ્યા બાદ ગત સપ્તાહે રાહુલ દ્રવિડને નોટિસ મોકલી હતી. તેમને હિતોના ટકરાવના આરોપોનો જવાબ આપવા માટે બે સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે. તેમના જવાબના આધારે હું નિર્ણય કરીશ કે, આ મુદ્દો આગળ વધારવાનો છે કે નહીં.’

શક્યતા છે કે, દ્રવિડ 16 ઑગસ્ટના રોજ પોતાનો જવાબ મોકલશે અને જો જજ જૈનને લાગે તો, તેને સુનવણી માટે હાજર રહેવું પડી શકે છે. ગુપ્તા એ જ વ્યક્તિ છે જેમણે સચિન તેંદુલકર અને vvs લક્ષ્મણ વિરુદ્ધ ક્રિકેટ સલાહકાર સમિતિના સભ્ય હોવાની સાથે-સાથે IPL ફ્રેન્ચાઈઝી ટીમો સાથે જોડાયા હોવા પર હિતોના ટકરાવની ફરિયાદ નોંધાવી હતી.