મુંબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આગામી વર્ષથી 9 ટીમ રમી શકે છે. બીસીસીઆઈની 2020થી બે નવી આઈપીએલના ટેન્ડરની યોજના હાલમાં નથી. અહેવાલ અનુસાર બોર્ડ આગામી વર્ષની શરૂઆતમાં માત્ર એક નવી ફ્રેન્ચાીઝી લાવવા માગે છે.


આઈપીએલમાં 10 ટીમોની જગ્યાએ વર્ષ 2022 સુધી માત્ર 9 ટીમો જ હોઈ શકે છે. આ પાછળનું મોટું કારણ ભારતીય ક્રિકેટ બોર્ડ પાસે આ સમયે 90થી વધારે મેચોની મેજબાની કરવા માટે જગ્યા નથી. આઈસીસીના ફ્યૂચર ટૂર પ્રોગ્રામ(FTP)ના કારણે બીસીસીઆઈ તરફથી 9 ટીમોને આઈપીએલ ટૂર્નામેન્ટને મંજૂરી મળશે જેમાં કુલ 76 મેચો રમાશે. સૂત્રો મુજબ, જ્યાં સુધી કોઈ નવું FTP 2023 સુધી નહીં આવે ત્યાં સુધી નવ ટીમો જ સારી રીતે ટૂર્નામેન્ટમાં રમી શકે છે.

બીજું કારણ બીસીસીઆઈ નવી ફ્રેન્ચાઈઝી માટે 300 મિલિયન ડોલર (લગભગ 2000 કરોડ રૂપિયા) આસપાસની બેસ પ્રાઈઝ પર વિચાર કરી રહી છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ તૈયાર થઈ રહ્યું છે. તે આગામી વર્ષે માર્ચ સુધીમાં મેચોના આયોજન માટે ઉપલબ્ધ થઈ શકે છે. 1.1 લાખની ક્ષમતાવાળું મોટેરા સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની જશે. એવામાં ગુજરાતની પોતાની ફ્રેન્ચાઈઝી ન હોય તેવું લાગતું નથી.