અમદાવાદના પાંજરાપોળ વિસ્તારના ચાર રસ્તા પર BRTS બસે બાઈક સવાર બે સગાભાઈઓને કચચી નાખ્યા હતાં. જયેશ રામ અને નયન રામ નામના બે ભાઈઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. આ ગોઝારા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજ અકસ્માત કેવી રીતે થયો તે સ્પષ્ટ રીતે જોઈ શકાતું નથી. અકસ્માત બાદ યુવાનો બસના આગળના ટાયર બાદ કચડાયેલા જોવા મળે છે ત્યાર બાદ બંને વારાફરતી પાછળના ટાયરમાં કચડાતા હોય તેવું અનુમાન લગાવી શકાય છે.

આ સમગ્ર ઘટના મામલે બસના ડ્રાયવર ચિરાગ પ્રજાપતિની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ સમક્ષ બસના ડ્રાયવરે કબૂલ્યુ હતું કે, રેડ સિગ્નલ થવામાં ફક્ત 2 સેકન્ડ જ બાકી હોવાથી તેણે ફુલ સ્પીડમાં બસ હંકારીને રોડ ક્રોસ કરી રહ્યો હતો. જોકે ડાબી તરફથી આવતું બાઈક બસ સાથે અથડાયું તે તેણે જોયું ન હતું. અકસ્માતના કારણે તે ડરી ગયો હાવાથી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

અકસ્માતના જે સીસીટીવી બહાર આવ્યા છે તે કોમ્પ્યુટર કે મોબાઈલમાં સ્પષ્ટ ચાલતા દેખાતા નથી. અટકી અટકીને વીડિયો પ્લે થઈ રહ્યો છે. જેમાં ટ્રાફિક રાબેતા મુજબ ચાલતો જોવા મળે છે. ગ્રીન સિગ્નલ થતાં જે દિશામાં સીસીટીવી કેપ્ચર થયા છે તે દિશામાંથી વાહનો જતાં જોવા મળે છે.

અધવચ્ચે વીડિયો ચોંટી જાય છે અને સીધા જ બંને ભાઈઓની બાઈક બીઆરટીએસ બસના પહેલા ટાયરમાં ગવાયેલા હોય તેવી રીતે તેમાં જોવા મળી રહ્યાં છે. ત્યાર બાદ બંને પાછળના ટાયરમાં વારાફરતી આવી જાય છે. બંને ઢસળાઈને રોડ વચ્ચે પડ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે. આ અકસ્માતમાં બંને ભાઈઓના મોત થયા હતા.