આખી ઘટના એમ હતી કે, આ ઓવરમાં મેદાન પર ક્યાંકથી મખમાખીઓનું ઝૂંડ આવી પહોંચ્યું હતું. જેનાથી મેદાનમાં હાજર ખેલાડીઓ પરેશાન થઈ ગયા હતા અને પોતાને બચાવવા માટે મેદાનમાં જ સૂઈ ગયા હતા ત્યાર બાદ માંડ-માંડ કરીને ડ્રેસિંગ રૂમ સુધી પહોંચ્યા હતા. જેના કારણે થોડાં સમય માટે મેચને રોકી દેવામાં આવી હતી.
આ મેચમાં ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. શ્રીલંકાની આખી ટીમ 203 રન બનાવી શકી હતી. આ દરમિયાન દક્ષિણ આફ્રિકા તરફથી 48મી ઓવર ક્રિસ મોરિસ ફેંકી રહ્યો હતો.
આ ઓવરના છેલ્લાં બોલ પહેલાં મધમાખીઓનું ઝૂંડ મેદાનમાં આવી ગયું હતું. જેને જોઈને મેદાનમાં હાજર ખેલાડીઓ પોતાના બચાવ કરવા જ મેદાનમાં સૂઈ ગયા હતા. આ બનાવ જોઈને સ્ટેન્ડમાં બેઠેલાં દર્શકો પણ જોર જોરથી હસવા લાગ્યા હતા.
મધમાખીઓ ઘણાં સમય સુધી ગ્રાઉન્ડમાં ઉડતી જોવા મળી હતી. જેના કારણે ખેલાડીઓ હાથના કોણીના ટેકે બહાર આવ્યા હતા. ત્યાર બાદ મધમાખીઓને દૂર કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ તેની કોઈ ખાસ અસર થઈ નહોતી. રેફરીએ મધમાખીઓના જવા સુધી મેચ રોકી રાખી હતી. આ દરમિયાન વિકેટકિપર ક્વિન્ટન ડીકોકના હેલ્મેટ જે મેદાન પર પડ્યું હતું તેના પર પણ ઘણી માખીઓ બેસી ગઈ હતી.