લંડનઃ ક્રિકેટના ઈતિહાસમાં વર્લ્ડકપમાં આવી ફાઈનલ કદાચ ક્યારેય જોવા મલી નહી હોય. ઈંગ્લેન્ડની અંતિમ ઓવરમાં કિમતી વધારાના ચાર રન મળી ગયા અને અંતે આ જ ચાર રનના કારણે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ન્યૂઝીલેન્ડના હાથમાં આવેલ વર્લ્ડકપ ઈંગ્લેન્ડના હાથમાં આવી ગયો હતો. ઓવર થ્રોમાં મળેલા ચાર રન માટે બેન સ્ટોક્સે ન્યૂઝીલેન્ડની ટીમની માફી માગી છે.

ઈંગ્લેન્ડને અંતિમ ઓવરમાં 15 રનની જરૂર હતી. ઓવરના ત્રીજા બોલ પર છગ્ગો લગાવ્યા બાદ મેચને ત્રણ બોલમાં 9 રન સુધી પહોંચાડી દીધી હતી. ચોથા બોલ પર સ્ટોક્સે મિડવિકેટ બાઉન્ડ્રી પર માર્યો અને બીજો રન લેવા માટે દોડ્યો હતો. ત્યારે તે ક્રિઝમાં પહોંચવા માટે છલાંગ લગાવી હતી. આ સમયે માર્ટિન ગુપ્ટિલનો થ્રો તેના બેટ પર વાગ્યો અને બોલ બાઉન્ડ્રીની બહાર જતો રહ્યો હતો. સ્ટોક્સ અને ઈંગ્લેન્ડને કુલ 6 રન મળ્યાં હત. હવે 2 બોલમાં ત્રણ રનની જરૂર હતી.


ઈંગ્લેન્ડને મળેલા આ રન નિયમ પ્રમાણે એકદમ બરાબર હતા. નિયમ પ્રમાણે જો બોલ ઓવરથ્રો પર બાઉન્ડ્રીની પાર જાય તો ઓવરથ્રોના નિયમ પ્રમાણે રન બેટિંગ ટીમને મળી જાય છે.

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને આ વાત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે મેચ બાદ કહ્યું હતું કે, આ શરમજનક વાત છે કે બેટ સ્ટોક્સના બેટને વાગ્યો. એવા સમયે આ બધું થયું કે બધું બદલાઈ ગયું હતું. હું બસ એ જ આશા રાખું છું કે મહત્વની ક્ષણ પર આવું ના થાય. વિલિયમસનને તેના બેટિંગ પરફોર્મન્સ માટે પ્લેયર ઓફ ટુર્નામેન્ટથી નવાજવામાં આવ્યો હતો.

ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટર્ચમાં જન્મેલા સ્ટોક્સે ન્યૂઝીલેન્ડની ટીમની માફી માગીને કહ્યું હતું કે, અંતિમ ઓવરમાં બોલ મારા બેટને વાગીને બાઉન્ડ્રીની બહાર ગયો હતો. તમે આવું વિચાર્યું નહીં હોય. આગળ તેણે કહ્યું હતું કે, મેં કેન પાસે આ અંગે અગણિત વખત માફી માગી છે. હું આવું નહોતો કરવા માગતો.