નવી દિલ્હીઃ ભારતીય ટીમ માટે એક સારા સમાચાર આવ્યા છે. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે પાકિસ્તાન વિરૂદ્ધ 16 જૂનના રોજ સ્નાયુ ખેંચાયા બાદ મંગળવારે પ્રથમ વખત બોલિંગ કરી હતી. પાકિસ્તાન વિરૂદ્ધ શરૂઆતની ઓવર કર્યા બાદ ભુવનેશ્વરને સ્નાયુ ખેંચાઈ ગયા હતા. જોકે ભુવનેશ્વર કુમારે મંગળવારે 30-35 મિનિટ સુધી નેટમાં પરસેવો રેડી અભ્યાસ કર્યો છે.




એક સૂત્રે જણાવ્યું કે ઈજા થયા બાદ ભુવનેશ્વરે નાના રન અપ સાથે બોલિંગ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ ધીમે-ધીમે તેને રન અપમાં વધારો કર્યો છે. જોકે ભુવીએ ફુલ રન અપમાં બોલિંગ નથી કરી. વધુ ઉમેરતા સૂત્રે કહ્યું કે, ‘ભુવીએ લગભગ 30-35 મિનિટ અભ્યાસ કર્યો. આ દરમિયાન કેપ્ટન કોહલીએ પણ ભુવીના અભ્યાસ પર નજર રાખી હતી. ભુવીને જોઈ લાગ્યું નહોતું કે તે બોલિંગ વખતે કોઈ સમસ્યા અનુભવી રહ્યો છે. જે એક સારા સંકેત છે.’


ઉલ્લેખનીય છે કે આ પહેલા નવદીપ સૈની ભારતીય ટીમ સાથે જોડાયો હતો. જેથી એવી અટકળો ફેલાઈ રહી હતી કે ભુવનેશ્વર ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ શકે છે. પરંતુ સૂત્રો મુજબ હવે એવી માહિતી મળી છે કે સૈની માત્ર નેટ બોલર તરીકે ટીમ સાથે જોડાઈ રહેશે. સૈની એ ખેલાડી છે જેને પસંદગીકારોએ વર્લ્ડ કપમાં સ્ટેન્ડબાય તરીકે પસંદ કર્યો છે. જોકે આગામી મેચમાં ભુવનેશ્વર કુમારને ટીમમાં સામેલ કરવામાં આવશે કે નહીં તેને લઈને કોઈ સ્પષ્ટતા નથી.