કચ્છમાં મંગળવારે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો, નખત્રાણા અને મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી, આ સિવાય યાત્રાધામ અંબાજીમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી, દિવસભર ગરમીના ઉકળાટ બાદ સાંજે વરસાદ શરૂ થયો, આ સિવાય ભારે પવન અને ગાજવીજ પણ થઇ રહી છે. તો ખાવડાના કાલોડુંગર, દીનારા અને કુરન વિસ્તારમાં ઘોધમાર વરસાદથી સ્થાનિક તળાવ અને નાળામાં નવા નીર આવ્યા હતા.
બંગાળની ખાડીમાં એક લો પ્રેશન તા. 30 જૂન આસપાસ બનવા જઈ રહ્યું છે જે વધુ મજબૂત બનવાની પણ શક્યતાઓ છે જોકે ત્યારબાદ તે કઈ દિશામાં ગતિ કરે છે તે મહત્ત્વપૂર્ણ રહેશે. જોકે, 25 જુનના રોજ દક્ષિણ પશ્ચિમ ચોમાસું સત્તાવાર રીતે મુંબઈ, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં બેસી ગયું છે. તો ગુજરાતના બાકીના ભાગોમાં ચોમાસું ધીમે ધીમે તબક્કાવાર રીતે આગળ વધશે. 26-27 જુન આસપાસ એક ઓફ શોર ટ્રફ સક્રિય થસે જેથી આ સમય દરમિયાન મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.