નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્યને લઈ ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું, ધોનીએ સંન્યાએસ અંગે હજુ કંઈ જણાવ્યું નથી પરંતુ તે જલદી આ અંગેનો ફેંસલો લેશે. હાલ તમામ વિકલ્પો ખુલ્લા છે અને ફેંસલો ખુદ ધોનીએ લેવાનો છે. પરંતુ કોઈપણ તેના કરિયર અને ભારતીય ક્રિકેટમાં યોગદાન પર સવાલ ઉઠાવી શકે નહીં.


પ્રસાદે કહ્યું, અમે અમારી જવાબદારીઓ એકબાજુ રાખી તો અન્ય લોકોની જેમ ધોનીના મોટા પ્રશંસકો છીએ. તેણે અનેક ઉપલબ્ધી હાંસલ કરી છે. બે વર્લ્ડકપ, ચેમ્પિયનસ ટ્રોફીમાં જીત અને ભારતીય ટીમને ટેસ્ટમાં નંબર 1 બનાવવી જેવી સોનેરી સિદ્ધી તેના ખાતામાં છે.

ધોનીએ જાન્યુઆરી સુધી ક્રિકેટ વિશે કોઈ સવાલ ના કરવા કહ્યું છે. તેણે થોડા સમય પહેલા આ નિવેદન આપ્યું હતું. જ્યારે ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે આઈપીએલ પછી જોઇશું કે ધોની ટી-20 વર્લ્ડ કપમાં રમશે કે નહીં.  વર્લ્ડકપ 2019ની સેમી ફાઇનલમાં હાર બાદ ધોની ટીમ ઈન્ડિયાનો હિસ્સો નથી.

વર્લ્ડકપ દરમિયાન તેની ધીમી બેટિંગની ઘણી ટીકા થઈ હતી. ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત અણનમ રહીને 38.1ની સરેરાશથી 4876 રન બનાવ્યા છે. જેમાં 6 સદી અને 33 અડધી પણ સામેલ છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે. જ્યારે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 50.6ની એવરેજથી 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે. વન ડેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર નોટઆઉટ 183 રન છે. 98 T20માં 42 વખત નોટ આઉટ રહીને 126.1ના સ્ટ્રાઇક રેટથી 1617 રન બનાવ્યા છે. ટી2-માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે.