નવી દિલ્હી:  ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 સીઝનમાં વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ પાસે નવો રેકોર્ડ બનાવવાની તક છે. આઈપીએલમાં સર્વાધિક 326 સિક્સ મારનાર ગેલ ટી20 ફોર્મેટમાં 1000 સિક્સ ફટકારનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બની શકે છે. ગેલ અત્યાર સુધી 978 સિક્સ ફટકારી ચૂક્યો છે અને 1000 સિક્સનો જાદુઈ આંકડા સુધી પહોંચવા માટે માત્ર 22 સિક્સની જરૂર છે.

ગેલ અત્યાર સુધી આઈપીએલમાં 11 ટૂર્નામેન્ટ રમી ચૂક્યો છે અને તેમાં છ એવી ઈનિંગ છે જેમાં 22થી વધુ સિક્સ ફટકારી ચૂક્યો છે. ટી20માં સર્વાધિક ચોગ્ગા (1026) નો રેકોર્ડ પણ ગેલના નામે છે. ગેલ પર્સનલ કારણોના કારણે કેરેબિયાઈ પ્રીમિયર લીગમાં નથી રમ્યો. પરંતુ આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે. ગત વર્ષે તેણે 34 સિક્સ અને 2018માં 27 સિક્સ ફટકારી હતી.



ગેલ એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે આઈપીએલની ચાર ટૂર્નામેન્ટોમાં સર્વાધિક સિક્સ ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. 2011માં 44 સિક્સ, 2012માં 59 સિક્સ, 2013માં 51 સિક્સ અને 2015માં 38 સિક્સ નોંધાવી હતી.

ખાસ વાત એ પણ છે કે, ટી20માં શૂન્ય પર આઉટ થયા વિના સર્વાધિક ઈનિંગ્સ (145) રમવાનો રેકોર્ડ પણ ગેલના નામે છે. આ રેકોર્ડ તેણે 2012થી 2016ની વચ્ચે બનાવ્યો હતો.