નવી દિલ્હીઃ યુનિવર્સલ બોસથી જાણીતા વેસ્ટ ઇન્ડિઝ બેટ્સમેને કેનેડામાં રમાઇ રહેલી ગ્લોબલ ટી-20 લીગમાં તોફાની ઇનિંગ રમી છે. શુક્રવારે કેનેડાના બૈમ્પટન મેદાન પર ગેઇલે વૈંકુવર નાઇટ્સ તરફથી રમતા એડમોન્ટન રોયલ્સ વિરુદ્ધ ફક્ત 44 બોલમાં 94 રનની આક્રમક ઇનિંગ રમી હતી. ક્રિસ ગેઇલે એડમોન્ટન રોયલ્સના  પાકિસ્તાની બોલર શાદાબ ખાનની એક ઓવરમાં ચાર સિક્સ અને બે ચોગ્ગાની મદદથી 32 રન ઝૂડ્યા હતા. શાદાબ ખાને ઇંનિંગની 13મી ઓવર ફેંકી હતી. ગેઇલે પ્રથમ બે  બોલ પર બે સિક્સ ફટકારી હતી બાદમાં બે બોલ પર સળંગ બે ચોગ્ગા ફટકાર્યા હતા. બાકીના બે બોલ પર બે સિક્સ ફટકારી હતી.

શાદાબની ઓવર ખત્મ થઇ ત્યાં સુધી ગેઇલની ટીમને 42 બોલમાં 27 રન જોઇતા હતા. જોકે, બાદમાં ગેઇલ 44 બોલમાં 94  રન ફટકારી બેન કટિંગની ઓવરમાં આઉટ થયો હતો.પોતાની ઇનિંગમાં તેણે છ ચોગ્ગા અને  નવ સિક્સ ફટકારી હતી.


આ અગાઉ રોયલ્સની ટીમે પ્રથમ બેટિંગ 20 ઓવરમાં નવ વિકેટ પર 165 રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ગેઇલની ઇનિંગની મદદથી નાઇટ્સે16.3 ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર 166 રન બનાવી મેચ જીતી લીધી હતી. ગેઇલ આ ટુનામેન્ટમાં સતત બીજી  સદી ચૂક્યો છે. આ ટુનામેન્ટમાં ગેઇલ ચાર મેચમાં 273 રન બનાવી ટોપ પર છે.