નવી દિલ્હીઃ સેન્ટ કિટ્સમાં મંગળવારે રમાયેલી મેચ રેકોર્ડ઼બ્રેક રહી હતી. કેરેબિયન પ્રીમિયર લીગમાં જમૈકા તલવાહ અને સેન્ટ્સ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટ્સ વચ્ચે રમાયેલી મેચમાં ક્રિસ ગેઇલે તોફાની ઇનિંગ રમી હતી. ક્રિસ ગેઇલે ટી-20માં 22મી સદી ફટકારી હતી. જમૈકા તરફથી રમતા ગેઇલે 62 બોલમાં આક્રમક 116 રનની ઇનિંગ રમી હતી જેમાં 10 સિક્સ અને સાત ચોગ્ગાનો સમાવેશ થાય છે. ગેઇલે છેલ્લે 2018માં સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ અણનમ 104 રન ફટકાર્યા હતા.
યુનિવર્સ બોસના નામથી જાણીતા ગેઇલે ચેડવિક વાલ્ટન સાથે 162 રનની ભાગીદારી કરી હતી. વાલ્ટને 36 બોલમાં 73 રનની ઇનિંગ રમી હતી. જમૈકાની ટીમે ઇનિંગ દરમિયાન 21 સિક્સ ફટકારી હતી.
ગેઇલની સદીની મદદથી જમૈકાએ 20 ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર 241 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં પૈટ્રિયોટ્સે સાત બોલ બાકી રાખીને છ વિકેટ ગુમાવી 242 રન બનાવી મેચ જીતી લીધી હતી.