Lakshya Sen Wins Gold: કોમનવેલ્થ ગેમ્સના અંતિમ દિવસે ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ આવ્યો છે. ભારતીય ખેલાડી લક્ષ્ય સેને બેડમિન્ટનમાં સુવર્ણ પદક જીતીને ઈતિહાસ રચ્યો છે. મહત્વનું છે કે, લક્ષ્ય સેને પોતાના પહેલા કોમનવેલ્થ ગેમ્સમાં આ ગોલ્ડ મેડલ જીત્યો છે.






ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે મેન્સ સિંગલ બેડમિન્ટનની ફાઈનલ મેચમાં મલેશિયાના ત્ઝે યોંગ એનજીને Tze Yong Ng) હરાવ્યો હતો. લક્ષ્ય સેને જી યોંગ સામે 19-21, 21-9, 21-16થી જીત નોંધાવી હતી.


બંને ખેલાડીઓ વચ્ચે જોવા મળી કાંટાની ટક્કરઃ


લક્ષ્ય સેન અને જી યોંગ વચ્ચેની આ ફાઇનલ મેચ ખૂબ જ કપરી રહી હતી. શરૂઆતથી જ બંને ખેલાડીઓ એકબીજાને ટક્કર આપતા રહ્યા. લક્ષ્ય સેન અહીં તેની પ્રથમ ગેમ 19-21થી હારી ગયો હતો. એક સમયે મેચ 18-18ની બરાબરી પર હતી પરંતુ છેલ્લે ગોલ કરવામાં લક્ષ્ય પાછળ રહી ગયો હતો. બીજી ગેમમાં પણ બરાબરીની ટક્કર જોવા મળી હતી. લક્ષ્ય અહીં 6-8થી પાછળ હતો પરંતુ પછી જોરદાર વાપસી કરી અને જી યોંગને 21-9થી પાછળ છોડી દીધો. આ પછી, ત્રીજી ગેમમાં લક્ષ્યે શરૂઆતથી જ સરસાઈ જાળવી રાખી હતી. અને ત્રીજી ગેમ જીતીને લક્ષ્ય સેને સુવર્ણ પદક પોતાના નામે કરી લીધો હતો.


તમને જણાવી દઈએ કે આ મેચ પહેલા લક્ષ્ય સેન જી યોંગ સાથે બે વખત ટકરાયો હતા. આ બંને મેચમાં લક્ષ્ય સેન જીતી ગયો હતો.