Sharath Kamal Wins Gold: કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત છે. આજે કોમનવેલ્થ ગેમ્સના અંતિમ દિવસે ભારતના ખેલાડીઓ સતત ગોલ્ડ મેડલ જીતી રહ્યા છે. ત્યારે હવે ટેબલ ટેનિસની રમતમાં ભારતીય ખેલાડી અચંતા શરથ કમલે ગોલ્ડ મેડલ જીત્યો છે. શરથ કમલે લિયામ પિચફોર્ડને હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ સાથે ભારતે આજે સતત ચોથો ગોલ્ડ મેડલ જીત્યો છે. 






અચંતા શરથ કમલનો કોમનવેલ્થમાં 7મો મેડલઃ


નોંધનીય છે કે, કોમનવેલ્થ ગેમ્સમાં અચંતા શરથ કમલનો વિવિધ કેટગરીની ટેબલ ટેનિસની રમતમાં આ 7મો મેડલ છે. આ પહેલા અચંતા શરથ કમલે કોમનવેલ્થ ગેમ્સ 2006, 2010, 2014 અને 2018માં મેડલ જીત્યા છે. આ રીતે તેણે સતત પાંચમી કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો છે. અચંતા શરથ કમલે પ્રથમ વખત 2006 મેલબોર્ન કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો હતો. જોકે, અચંતા શરથ કમલે 40 વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે.


આજે ભારત માટે સતત ગોલ્ડ મેડલ આવી રહ્યા છે ત્યારે વધુ એક ગોલ્ડ મેડલ બેડમિન્ટન રમતમાં મેન્સ ડબલમાં આવ્યો છે. ભારતના ખેલાડી સાત્વિક સાંઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીને ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે, આ ગોલ્ડ મેડલ સાથે ઈતિહાસ રચાયો છે કારણ કે, ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વખત મેન્સ ડબલ બેડમિન્ટનની રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.