Commonwealth Games 2026: સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 11 દિવસ સુધી ચાલેલા 2026 કોમનવેલ્થ ગેમ્સનું સમાપન થયું છે. આ સાથે ભારતને 2030 કોમનવેલ્થ ગેમ્સના 100 વર્ષ પુરા થનારા શતાબ્દી સંસ્કરણનું આયોજન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. 2030 કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતના અમદાવાદમાં યોજાશે. સમાપન સમારોહ દરમિયાન સ્કોટિશ અધિકારીઓએ ભારતીય પ્રતિનિધિઓને સત્તાવાર CWG ધ્વજ અને બેટન સોંપ્યા હતા. ભારતનું પ્રતિનિધિત્વ કરતા ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા ભાલા ફેંકનાર ખેલાડી નીરજ ચોપરા, ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના પ્રમુખ પી.ટી. ઉષા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ ક્ષણના સાક્ષી બનવા માટે હાજર રહ્યા હતા.
ભારત-સ્કોટિશ સંસ્કૃતિનું સુંદર મિશ્રણ
કોનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહની શરૂઆતમાં સ્કોટલેન્ડના સમૃદ્ધ અને જટિલ સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરવામાં આવ્યું. આ દરમિયાન ભારત અને સ્કોટલેન્ડના સંગીતકારો અને ડાન્સર્સની "જુગલબંધી" એ તેમના ઉત્તમ પ્રદર્શનથી સ્ટેડિયમના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા, જેનાથી સમાપન સમારોહ યાદગાર બન્યો.
ભારત 39 મેડલ સાથે ચોથા સ્થાને રહ્યું
ભારતીય ટીમ ગ્લાસગોથી અત્યંત સંતુષ્ટ અને ગર્વ અનુભવતી બહાર નીકળી હતી. ભારતીય ખેલાડીઓએ 2026ની ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં કુલ 39 મેડલ જીત્યા હતા. આમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ ઉત્કૃષ્ટ પ્રદર્શનથી ભારત મેડલ ટેલીમાં ચોથું સ્થાન મેળવ્યું હતું.
ભારત ઇતિહાસ રચવાના માર્ગ પર
ભારત 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરીને ઇતિહાસ રચશે. ઓસ્ટ્રેલિયા પછી ભારત એકથી વધુ વખત ગેમ્સનું આયોજન કરનારો વિશ્વનો બીજો દેશ બનશે. અગાઉ, ભારતે 2010માં નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું.
