નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશ ક્રિકેટ સંઘના આજીવન સભ્ય સંજીવ ગુપ્તા પર એક મહિલા સાથે અશ્લીલ વાતો કરવાનો આરોપ લાગ્યો છે. લગ્ન કરાવતી એક વેબસાઈટનો દુરુપયોગ કરીને વોટ્સએપ પર એક મહિલા સાથે અશ્લીલ વાતો કરવાનો એક ઈમેલ એમપીસીએના સભ્યો પાસે આવી ગયો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, સંજીવે ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા પહેલા મહિલાનો સંપર્ક કર્યો અને બાદમાં અશ્લીલ વાતો કરી. મહિલાની ફરિયાદ બાદ આ મામલો સામે આવ્યો છે. મહિલાએ સંજીવ ગુપ્તાને બ્લોક કરવાની માગ વેબસાઈટ પાસે કરી છે.



જણાવીએ કે, સંજીવ ગુપ્તા આઈપીએલ 2019 દરમિયાન પણ ચર્ચામાં આવ્યા હતા. તેણે સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ પર હિતોના ટકરાવનો આરોપ લગાવ્યો હતો. તેમનું કહેવું હતું કે, બીસીસીઆઈની સલાહકાર સમિતિમાં રહેતા આ બન્નેએ આઈપીએલ ટીમો સાથે પણ જોડાયેલ રહ્યા છે. તેની ફરિયાદ બીસીસીઆઈના લોકપાલ ડીકે જૈનને કરવામાં આવી હતી.



સમાચાર એજન્સી આઈએએનએસના અહેવાલ અનુસાર, સંજીવ ગુપ્તા સાથે જોડાયેલ મેલ સામે આવ્યા બાદ એમપીસીએના સભ્ય રાજ સિંહ ચૌહાણે સચિવ મિલિંદ કાનમાડિકરને તપાસ કરીને કડક કાર્યવાહીની માગ કરી છે. તેમણે પત્ર લખીને કહ્યું કે, એક મહિલાએ ફરિયાદ કરી છે. તેમનું કહેવું છે કે, સંજીવ ગુપ્તા નામની વ્યક્તિ જે એમપીસીએના સભ્ય છે અને તે ઇન્દોરના રહેવાસી છે. તે લગ્ન સાથે જોડાયેલ વેબસાઇટનો અશ્લીલ વાતો કરવા માટે ઉપયોગ કરે છે. તે મહિલાને લલચાવે છે અને વ્હોટ્સએપ વીડિયો ચેટ દ્વારા અશ્લીલ વાતો કરે છે. કહેવાય છે કે, એમપીસીએના પ્રમુખ જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ તેની જાણકારી આપવામાં આવી છે. તેમને પણ આ મામલે કાર્રવાઈ કરવા માટે કહેવામાં આવ્યું છે.