નવી દિલ્હીઃ ચીનમાંથી શરૂ થયેલા કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો છે અને અત્યાર સુધી કુલ 30 હજારથી પણ વધારે લોકો આ જીવલેણ વાયરસનો ભોગ બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે, તેઓ કોરોના સામે ચાલી રહેલા જંગમાં સામે આવે અને સ્વેચ્છાએ મદદ કરે. દેશમાં અનેક ક્રિકેટર્સ અને બોલિવૂડ સ્ટાર્સ મદદ માટે આગળ આવ્યા છે. જેમાં ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ કોવિડ-19 વિરુદ્ધ ચાલી રહેલી યુદ્ધમાં 52 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.



સુરેશ રૈનાએ આ રકમમાંથી 31 લાખ રૂપિયા વડાપ્રધાન કેર્સ ફંડ અને 21 લાખ રૂપિયા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાં દાન આપવાની જાહેરાત કરી છે. તેણે ટ્વિટર પર આ માહિતી આપી છે અને વડાપ્રધાન મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પીએમઓને ટેગ કર્યાં છે.



દાન કે કોઈ પણ પ્રકારની મદદ આપવા માટે વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને તેની જાણકારી આપી છે. રૈનાએ લખ્યું હતું કે, આ સમય છે આપણે કોવિડ-19ને પરાજય આપવામાં આપણાં તરફથી મદદ કરીએ. હું પ્રતિજ્ઞા લઉ છું કે કોરોના વિરુદ્ધ લડાઈમાં 52 લાખ રૂપિયા આપીશ. જય હિંદ. વડાપ્રધાન મોદીએ રૈનાની પ્રશંસા કરતા ટ્વિટ કરીને જવાબ આપ્યો હતો કે, આ શાનદાર અડધી સદી છે.