નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણના કારણે હાલ જાણે કે સમગ્ર વિશ્વ થંભી ગયુ છે. સંક્રમણના બચાવનો ઉપાય લોકોથી દૂર રહેવું  અને ઘરમાં રહેવું છે. આ કારણે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં લોકડાઉન જાહેર કરાયુ છે. કોરોનાથી બચવાના ઉપાયને ધ્યાનમાં રાખીને હવે ક્રિકેટમાં કેટલાક નિયમો લાગુ કરવામાં આવી શકે છે.


કોરોનાથી ફેલાયેલા ડરના કારણે હવે ક્રિકેટરોને બોલ ચમકાવવા માટે થૂંકનો પ્રયોગ કરવા પર રોક લગાવવામાં આવી શકે છે. મેલબોર્નની ફેડરેશન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે કહ્યું કે, બોલ પર થૂંક લગાવવું નિશ્ચિત રીતે મોટું રિસ્ક રહેશે. વાયરસને લઇ કહેવામાં આવ્યું છે કે ઘણા કલાક સુધી જીવતો રહે છે. જેના કારણે ચેપ લાગવાની શક્યતા વધી જાય છે.


ઓસ્ટ્રેલિયાની નેશનલ યુનિવર્સિટીના સંજય સેનાનાયકે કહ્યું, આમ નહીં કરવાનો આદેશ આપવામાં આવે તેની મને શંકા છે. પરંતુ હું એવી સલાહ આપીશ કે નિશ્ચિત રીતે બોલ પર થૂંક લગાવવાનું બંધ કરવું જોઈએ. કારણકે આ વાયરસ થૂંકમાં જ મળે છે.


સાઉથ આફ્રિકા સામેની વન ડે શ્રેણી પહેલા ભારતીય ટીમના સ્વિંગ બોલર ભુવનેશ્વર કુમારે પણ આવું જ નિવેદન આપ્યું હતું. ધર્મશાળામાં રમાનારી પ્રથમ વન ડે પહેલા ભુવીએ કહ્યું હતું કે કોરોના વાયરસના સંક્રમણના ખતરાને જોતાં મેચ દરમિયાન થૂંકથી બોલને નહીં ચમકાવે.