નવી દિલ્હી: કોરોના વાયરસનાં કારણે વિશ્વ નાજુક પરિસ્થતિમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના વાયરસનાં કારણે અનેક દેશોમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. વાયરસનાં કારણે અર્થતંત્રને પણ એટલો જ મોટો ફટકો પડ્યો છે ત્યારે વિશ્વનાં ઘણા સેલિબ્રિટી આગળ આવ્યા છે અને કરોડો રૂપિયાનું દાન કર્યું છે. જેમાં ભારત અને વિદેશના અનેક ખેલાડીઓએ કરોડો રૂપિયાનું દાન કર્યું છે.




મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરરે પોતાના દેશનાં કોરોના પીડિતો માટે મદદનો હાથ લંબાવ્યો અને અંદાજે 10 લાખ ડોલરનું દાન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. સ્વિટઝર્લેન્ડમાં અત્યાર સુધી કોરોના વાયરસના કારણે 100થી વધુ લોકોનાં મોત થયા છે.



દુનિયાના સૌથી લોકપ્રિય ફૂટબોલરમાં એક ક્રિસ્ટીયાનો રોનાલ્ડો પણ આ સમયમાં લોકોની વ્હારે આવ્યો છે. 34 અબજ રૂપિયા કમાતા રોનાલ્ડોએ કોરોના વાયરસ પીડિતો માટે 8 કરોડ 28 લાખ રૂપિયા દાન આપવાનો નિર્ણય કર્યો છે.



રોનાલ્ડોની જેમ જ લિયોનલ મેસીએ પણ કોરોના વાયરસનાં પીડિતો માટે અંદાજે આઠ કરોડ રૂપિયાનું દાન કર્યું હોવાનું જાણવા મળ્યું છે. મેસીએ આપેલી દાનની રકમ બાર્સિલોનામાં હોસ્પિટલ બનવવાના કામમાં આવશે.



પાકિસ્તાનનાં પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ 2 અબજ રૂપિયાની વાર્ષિક કમાણી સામે લોકોને રાહત સામગ્રી દાન કરી છે. સોશિયલ મીડિયામાં આ તમામ ખેલાડીઓના ભરપૂર વખાણ કરવામાં આવ્યાં હતાં.



ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ અત્યાર સુધી કોઈ જ મદદનું એલાન કર્યું નથી. વિરાટ કોહલી 9 અબજ રૂપિયાની કમાણી કરે છે. વિરાટ કોહલી અને પત્નીએ સોશિયલ મીડિયામાં કોરોના વાયરસને લઈ સલાહ આપી હતી.



વિશ્વમાં ક્રિકેટનાં ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરે કોરોના વાયરસનાં પીડિતો માટે 50 લાખ રૂપિયાનું દાન કર્યું છે. સચિને 25 લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં જ્યારે બીજા 25 લાખ વડાપ્રધાન રાહત ફંડમાં દાન આપ્યા છે.