મેડ્રિડ: સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યું છે. એવામાં તમામ મોટી હસ્તીઓથી લઈને સ્પોર્ટ્સ પ્લેયરસ કોરોના સામેની જંગમાં મદદ માટે સામે આવી રહ્યા છે. ત્યારે વર્લ્ડના નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ (Novak Djokovic)એ કોરોના વાયરસ સામેની લડાઈમાં મદદ કરવાનો નિર્ણય કરતા 10 લાખ યૂરોઝ આશરે (8 કરોડ 30 લાખ રૂપિયા)ની મદદ કરવાની જાહેરાત કરી છે. આ પૈસાથી મેડિકલ ઉપકરણો ખરીદવામાં આવશે.


જોકોવિચે સર્બિયાના ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે આ પૈસા જીવને બચાવવા માટે રેસપિરેટર્સ અને અન્ય મેડિકલ ઉપકરણો ખરીદવા માટે ઉપયોગ કરવામાં આવશે. 17 વખત ગ્રૈંડ સ્લૈમ વિજેતા આ સમયે સ્પેનના મારબેલામાં ફસાયેલા છે. તેણે કહ્યુ, હું મારા દેશ અને સમગ્ર વિશ્વના મેડિકલ સ્ટાફનો આભાર માનું છુ જે કોરોના વાયરસ સામેની લડાઈમાં લોકોની મદદ કરી રહ્યા છે.

તેણે કહ્યું, દરરોજ વધુમાં વધુ લોકો આ બીમારીની ચપેટમાં આવી રહ્યા છે. હું અને મારી પત્ની યેલેના એ યોજના બનાવી રહ્યા હતા કે અમે કઈ રીતે સંસાધનોની ઉપયોગ કરી જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકીએ.

સર્બિયામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે સાત મોત થયા છે અને 450થી વધુ કેસ સામે આવ્યા છે. આ પહેલા ઘણા ક્રિકેટર્સ, ફુટબોલ પ્લેયર્સ અને અન્ય રમતના ખેલાડીઓ મદદ કરી ચૂક્યા છે.