નવી દિલ્હીઃ કોરોનાના ખતરો હજુ પણ યથાવત છે, રમતના મેદાન પરથી વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. શ્રીલંકા પ્રવાસમાં ગયેલા ટીમ ઇન્ડિયાના વધુ બે ખેલાડીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે, અને તેમનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે, કૃણાલ પંડ્યાની વધુ ક્લૉઝ કૉન્ટેક્ટમાં રહેતા યુજવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌતમ કોરોના પૉઝિટીવ થયા છે. હાલ બન્ને ખેલાડીઓ આઇસૉલેશનમાં છે.
ઉલ્લેખનીય છે કે, બીજી ટી20 મેચ પહેલા ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના પૉઝિટીવ થયો હતો. આને લઇને એક્શનમાં આવેલા ટીમ મેનેજમેન્ટે ટીમના આઠ ખેલાડીઓ જેઓ કૃણાલ પંડ્યાના સંપર્કમાં આવ્યા હતા, જે તમામને આઇસૉલેશનમાં મોકલી દીધા હતા. આમાં કૃણાલ પંડ્યાની સાથે સાથે હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, પૃથ્વી શૉ, યુજવેન્દ્ર ચહલ, કૃષ્ણપ્પા ગૌતમ સામેલ હતા.
આ તમામ ખેલાડીઓને આઇસૉલેસનમાં મોકલી દીધા બાદ ટીમ ઇન્ડિયાએ શ્રીલંકા સામેની ત્રણ મેચોની ટી20 સીરીઝમાં બાકીની બે મેચો રમી હતી, જેમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પ્રથમ ટી20 જીત્યા બાદ કેપ્ટન શિખર ધવન અને કૉચ રાહુલ દ્રવિડે પ્લેઇંગ ઇલેવનમાં તમામ નવા યુવા ખેલાડીઓને સમાવ્યા હતા, જેનો ફાયદો શ્રીલંકાએ ઉઠાવીને ટી20 સીરીઝને 2-1થી કબજે કરી લીધી હતી.
નોંધનીય છે કે, ટીમ ઇન્ડિયા પોતાની સીનિયર ખેલાડીઓ વિના જ શ્રીલંકા પ્રવાસમાં વનડે અને ટી20 સીરીઝ નવા કેપ્ટન અને કૉચ સાથે રમવા ગઇ હતી. વિરાટ, રોહિત, બુમરાહ અને પંત સહિતના ખેલાડીઓ હાલ ઇંગ્લેન્ડમાં છે, અને પાંચ ટેસ્ટ મેચોની તૈયારીઓ કરી રહ્યાં છે.
Ind vs SL 3rd T20I: શ્રીલંકાએ ભારતને 7 વિકેટે આપી હાર, સીરીઝ 2-1થી જીતી---
ત્રીજી અને નિર્ણાયક ટી20 મેચમાં શ્રીલંકાએ ભારતને 7 વિકેટથી હાર આપી સીરીઝ 2-1થી જીતી લીધી છે. શ્રીલંકા તરફથી ધનંજય ડી સિલ્વાએ સૌથી વધુ 24 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી જન્મદિવસ પર હસારંગાએ શાનદાર પ્રદર્શન કરતા સૌથી વધારે 4 વિકેટ ઝડપી છે. શ્રીલંકાની ટીમે 14.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો. ત્રણ મેચોની ટી20 સીરીઝ શ્રીલંકાએ 2-1થી જીતી લીધી છે.