નવી દિલ્હીઃ બીસીસીઆઈના એન્ટી કરપ્શન યૂનિટના પ્રમુખ અજીત સિંહ શેખાવતે ભારતીય ક્રિકેટમાં ભ્રષ્ટાચારની સમસ્યાનો સામનો કરવા માટે મંગળવારે મેચ ફિક્સિંગ સાથે જોડાયેલ નિયમ બનાવવા અને સટ્ટાબાજીને માન્યતા આપવાનું સૂચન કર્યું છે. એપ્રિલ 2018માં બીસીસીઆઈના એન્ટી કરપ્શન યૂનિટ સાથે જોડાતા પહેલા રાજસ્થાન પોલીસ કમિશ્નર રહી ચૂકેલ શેખાવતે પીટીઆઈને આપેલ ઇન્ટરવ્યૂમાં આ સૂચન કર્યું છે.

તમિલનાડુ પ્રીમિયર લીગ (Tamilnadu Premier League) અને મહિલા ક્રિકેટરો સાથે જોડાયેલ કથિત મેચ ફિક્સિંગ મામલાની તપાસ કરી રહેલા બીસીસીઆઈ એન્ટી કરપ્શન યૂનિટના ચીફ અજીત સિંહ શેખાવતે કહ્યું હતું કે ભારતીય લો કમિશને ગત વર્ષે મેચ ફિક્સિંગને અપરાધ જાહેર કરવાની વાત કરી હતી. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં આવું જ કરવામાં આવ્યું છે. આ સિવાય સટ્ટાબાજીને કાયદેસર કરવો ક્રિકેટમાં ભ્રષ્ટાચાર રોકવાની એક રીત છે. જેને અપનાવવા પર વિચાર કરવો જોઈએ. આના કારણે બધો ગેરકાયદેસર વેપાર નિયંત્રિત થઈ શકે છે. અજીત સિંહે સાથે કહ્યું હતું કે આના માટે કેટલાક માપદંડ બનાવવા પડશે. જેથી બધુ નિયંત્રણમાં રહે. આના કારણે ભ્રષ્ટાચાર ઉપર અંકુશ લાગી શકે છે. સરકારને પણ રાજસ્વમાં મોટી રકમ મળી શકે છે.

અજીત સિંહ શેખાવતે કહ્યું હતું કે એક વખત સટ્ટાબાજી કાયદેસર થઈ જાય તો તમને ખબર પડશે કે કોણ-કોણ સટ્ટાબાજી કરી રહ્યું છે અને કેટલું કરી રહ્યું છે. આમ કરતા તમારી પાસે બધા ડેટા હશે તો તમે ગેરકાયદેસર સટ્ટાબાજીને મુશ્કેલ બનાવી શકો છો. પહેલા ભ્રષ્ટાચારના મૂળ ફક્ત પુરુષ ક્રિકેટમાં ફેલાયેલા હતા પણ હવે મહિલા ક્રિકેટ પણ તેમની નજરમાં છે.

સોમવારે એક મહિલા ક્રિકેટરે ફિક્સિંગની ફરિયાદ કરી હતી. તે પછી એન્ટી કરપ્શન યુનિટે રાકેશ બાફના અને જિતેન્દ્ર કોઠારી વિરુદ્ધ ફિક્સિંગને લઈને બેંગ્લુરુમાં એફઆઈઆર નોંધાવી છે. જાણકારી અનુસાર, બાફનાએ મહિલા ટીમની એક ઇન્ટરનેશનલ ખેલાડી વિરુદ્ધ આ વર્ષે ફેબ્રુઆરીમાં ઇંગ્લેન્ડ સીરિઝની વચ્ચે ફિક્સિંગની વાત કરી હતી. ક્રિકેટરે એક આરોપી સાથે ફોન પર થયેલી વાતચીતની રેકોર્ડિંગ પણ મોકલી હતી. સ્પોર્ટ્સ મેનેજર જિતેન્દ્ર કોઠારીએ સોશિયલ સાઈટ દ્વારા ભારતીય ખેલાડી સાથે સંપર્ક કર્યો હતો. તે પછી બાફનાએ મેચ ફિક્સ કરવા ક્રિકેટર સાથે વાત કરી હતી. આ મામલે આઈસીસીએ પણ તપાસ શરૂ કરી દીધી છે. આ બધા વચ્ચે તમિલનાડુ પ્રીમિયર લીગમાં પણ ફિક્સિંગ અંગે તપાસ ચાલી રહી છે.