અજિંક્ય રહાણેની અદભુત સિદ્ધિ, 142 વર્ષના ઈતિહાસમાં કોઈ ખેલાડીએ નથી કર્યું આવું કામ
abpasmita.in | 21 Oct 2019 09:57 AM (IST)
અસલમાં રહાણેની આ 61મી ટેસ્ટ હતી અને રસપ્રદ વાત એ છે કે, તે પોતાની કારકિર્દીમાં અત્યાર સુધી રનઆઉટ થયો નથી.
નવી દિલ્હીઃ ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ રવિવારે દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ રાંચી ટેસ્ટમાં સેન્ચુરી ફટકારી. તેણે 192 બોલમાં 115 રનની ઇનિંગ રમી અને રોહિત શર્માની સાથે મળીને ચોથી વિકેટ માટે 267 રનની ભાગીદારી કરી. રહાણેએ પોતાની ઇનિંગમાં 17 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. આમ તો તેણે પોતાની ઇનિંગમાં અનેક રેકોર્ડ બનાવ્યા પરંતુ એક રેકોર્ડ એવો રહ્યો જેના પર ઘણાં ઓછા લોકોની નજર ગઈ. અસલમાં રહાણેની આ 61મી ટેસ્ટ હતી અને રસપ્રદ વાત એ છે કે, તે પોતાની કારકિર્દીમાં અત્યાર સુધી રનઆઉટ થયો નથી. સાથે જ તે પ્રથમ એવો બેટ્સમેન બની ગયો છે કે, જે રન આઉટ થયા વિના 200 રનની પાર્ટનરશિપમાં શામેલ થયો હોય. આ દરમિયાન તે કે તેનો કોઈ સાથી પણ રનઆઉટ થયો નથી. રહાણે સહિત 5 જ એવા બેટ્સમેનો છે જેઓ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં રનઆઉટ થયા વિના 100 ઈનિંગ્સ રમ્યા છે. આમાં કપિલ દેવ, મુદસ્સર નઝીર, પીટર મે, ગ્રીમ હિક અને અજિંક્ય રહાણે શામેલ છે. રાંચી ટેસ્ટમાં રહાણે અને રોહિતની પાર્ટનરશિપે ભારતીય ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી. શરૂઆતી વિકેટો ઝડપથી પડ્યાં બાદ આ બંને ભારતને સ્થિરતા આપી અને મોટો સ્કોર બનાવવામાં મદદ કરી. ભારતે પોતાની પ્રથમ ઈનિંગ્સ 9 વિકેટે 497 રન પર ડિકલેર કરી. ત્યારબાદ સાઉથ આફ્રિકાએ 9 રનના સ્કોરે જ બે વિકેટો ગુમાવી દીધી. બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે સાઉથ આફ્રિકા 488 રનથી પાછળ હતું.