ગુવાહાટીઃ ભારત અને શ્રીલંકાની વચ્ચે પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ વરસાદને કારણે રવિવારે રદ્દ કરવી પડી હતી. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને શ્રીલંકાને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ  આપ્યું હતું પરંતુ રતમ શરૂ થાય તે પહેલા જ ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. વરસાદ રોકાઈ ગયા બાદ પિચ ભીની થઈ ગઈ, કારણ કે વર્સ ફાટેલા હતા. અહેવાલ અનુસાર કવર્સથી પિચ પર પાણી લીક થયું હતું. અને તેના કારણે પીચ સમયસર સુકવી ન શકાઈ.

આમ આ એક મોટી ભૂલ હતી જેના કારણે વરસાદ બંધ થયા પછી પણ મેચ રમાઈ ન શકી. જો કે, પાછળથી ગ્રાઉન્ડ સ્ટાફે પિચ અને ગ્રાઉન્ડને સુધારવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા હતા. પરંતુ પિચ રમી શકે તેવી નહતી. મેચ ન થવાથી પ્રેક્ષકો નિરાશ થયા હતા.

ગુવાહાટી ટી-20 રદ્દ થવાથી ભારતના ઘણા પૂર્વ ક્રિકેટર પણ નારાજ જોવા મળ્યા હતા. વીવીએસ લક્ષ્મણએ કહ્યું કે, આટલા ઓછા વરસાદથી મેચનું કદ્દ થઇ જવું દુર્ભાગ્યપૂર્ણ છે. લક્ષ્મણ અનુસાર ગ્રાઉન્ડ કર્મચારીઓએ આ મેચ માટે સારી રીતે તૈયારી કરવી જોઇતી હતી. પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ પણ ગ્રાઉન્ડ સ્ટાફની ભૂલ હોવાનું કહ્યું હતું.

જણાવી દઇએ કે, ગુવાહાટીના બારસપરા સ્ટેડિયમમાં આ માત્ર ત્રીજી મેચ હતી અને તે પણ રદ્દ થઇ ગઇ. ગુવાહાટીમાં ભારત શ્રીલંકા વચ્ચે પ્રથમ ટી-20 મેચ જોવા માટે હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતાં. પરંતુ ખરાબ તૈયારીઓના કારણે મેદાન સુકાયુ નહી અને મેચ રદ્દ કરવી પડી. ટીમ ઇન્ડિયા હવે શ્રીલંકા વિરૂદ્ધ બીજી ટી-20 મેચ ઇંદોરમાં 7 જાન્યુઆરીએ રમશે. ત્રીજી ટી-20 પૂણેમાં 10 જાન્યુઆરીએ રમાશે.