નવી દિલ્હીઃ વર્લ્ડકપમાંથી ભારત બહાર ફેંકાઈ ગયા બાદ સૌથી વધારે જો કોઈ ચર્ચા થઈ રહી હોય તો તે છે ધોનીની નિવૃત્તીને લઈને. બધાના મનમાં સવાલ છે કે આખરે ધોની ક્યારે નિવૃત્તીની જાહેરાત કરશે. જોકે ભારતને પ્રથમ વર્લ્ડકપ જીતાડનાર કેપ્ટન કપિલ દેવનું માનવું છે કે ધોનીએ હાલ નિવૃત્તીની જાહેરાત કરવી ન જોઈએ. કપિલ દેવે બંગાળી અખબાર આજકલ સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો છે કે તેણે ધોનીને નિવૃત્તિ ના લેવાની અપીલ કરી છે.


કપિલ દેવે ખુલાસો કર્યો કે, તેણે ધોનીને મોબાઈલ પર મેસેજ મોકલ્યો છે. કપિલે જણાવ્યું છે કે હું લંડનની એક હોટલમાં રોકાયો હતો. ત્યાં કોફી લાઉન્જમાં મેં પોતાના એક મિત્રને પૂછ્યું કે ધોનીનો કોઈ નંબર છે? હું ફોન કરીશ નહીં, પણ મેં મેસેજ મોકલ્યા હતા. તારે નિવૃત્તી ન લેવી જોઈએ. મગજને ગરમ થવા દઈશ નહીં. આ એક પૂર્વ ક્રિકેટર તરીકે મેસેજ છે. જ્યારે મને 1984-85માં ઇડન ગાર્ડન્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે બહાર કરી દીધો હતો. તો હું પણ ગુસ્સામાં નિવૃત્તિ લેવા માંગતો હતો.



કપિલને પુછવામાં આવ્યું હતું કે સાંભળ્યું છે કે પસંદગીકારો ધોની સાથે વાત કરશે. આ સવાલ પર કપિલે કહ્યું હતું કે પ્રથમ ટેસ્ટ કે વન-ડે રમતા પહેલા ધોનીને પુછવામાં આવ્યું હતું કે તેને તક આપવામાં આવશે કે નહીં. તો હવે તેને કેમ પુછવું જોઈએ કે તુ ક્યારે રિટાયર થઈશ? આ એક વરિષ્ઠ ક્રિકેટર માટે શરમની વાત છે. મારો સવાલ એ છે કે ટીમ ઇન્ડિયા ફાઇનલમાં ના પહોંચી તેનું કારણ ફક્ત ધોની છે?

કપિલે આગળ કહ્યું હતું કે ધોનીએ જાતે જ ટેસ્ટ ક્રિકેટ છોડી દીધી હતી. જો તે હજુ વધારે 10 ટેસ્ટ રમી શકતો હતો. પાંચ પસંદગીકાર ધોનીનું ભવિષ્ય નક્કી કરશે, તેને સ્વિકાર કરવામા આવી શકે નહીં. જ્યારે સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર જેવા ખેલાડી નિવૃત્ત થાય છે તો તે જ નક્કી કરે છે.