IND Women Vs ENG Women: ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી બીજી વનડે મેચમાં ભારતની સ્ટાર મહિલા ક્રિકેટર ઓપનર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ એક ખાસ મુકામ હાંસલ કરી લીધો છે. સ્મૃતિ મંધાના (Smriti Mandhana) વનડે ક્રિકેટમાં સૌથી ફાસ્ટ 3000 રન પુરા કરનારી ભારતીય મહિલા બની ગઇ છે. આ પહેલા ભારત તરફથી શિખર ધવન અને વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં સૌથી ફાસ્ટ 3000 વનડે રન પુરા કર્યા છે. 


શિખર ધવને 72 ઇનિંગોમાં 3000 વનડે રન પુરા કર્યા હતા, વળી, વિરાટ કોહલીએ 75 ઇનિંગોમાં આ કારનામુ કર્યુ હતુ. સ્મૃતિ મંધાના કોહલીથી એક ઇનિંગ વધુ રમી 76મી ઇનિંગમાં આ મુકામ હાંસલ કર્યો હતો. જોકે, સ્મૃતિ મંધાના આ મુકામ હાંસલ કરવામાં ભારતીય મહિલા ક્રિકેટરોમાં સૌથી આગળ છે. 


ડાબોડી ઓપનર બેટ્સમેને 2013 માં વનડેમાં ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. તેના આ ફોર્મેટમાં પાંચ શતક અને 24 ફિફ્ટી છે, અને મિતાલી રાજ અને હરમનપ્રીત કૌર બાદ ફોર્મેટમાં 3000 રન સુધી પહોંચનારી ત્રીજી ભારતીય મહિલા ખેલાડી છે. સૌથી ફાસ્ટ ભારતીય મહિલા ક્રિકેટરના મામલામાં, મંધાનાએ પૂર્વ કેપ્ટન મિતાલી રાજને પાછળ પાડી દીધી છે. જેને 88 ઇનિંગોમાં 3000 રનની ઉપલબ્ધિ હાંસલ કરી હતી. 


INDW vs ENGW 2022: ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરની આક્રમક સદી, ઇગ્લેન્ડને જીતવા 334 રનનો ટાર્ગેટ આપ્યો -


Harmanpreet Kaur: ભારતીય મહિલા ટીમ અને ઈંગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચે બીજી વનડે મેચ સેન્ટ લોરેન્સ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય મહિલા ટીમે 50 ઓવરમાં 5 વિકેટે 333 રન બનાવ્યા હતા.  ઈંગ્લેન્ડને જીતવા માટે 334 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધુ રન બનાવ્યા હતા. હરમનપ્રીત કૌરે 111 બોલમાં અણનમ 143 રન બનાવ્યા હતા. ભારતીય કેપ્ટને પોતાની ધમાકેદાર ઇનિંગ દરમિયાન 18 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે દીપ્તિ શર્મા 9 બોલમાં 15 રન બનાવીને અણનમ રહી હતી.


વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં ભારતીય મહિલા ટીમનો આ બીજો સૌથી મોટો સ્કોર છે. ભારતને આ સ્કોર સુધી લઈ જવામાં કેપ્ટન હરમનપ્રીત કૌરનો મહત્વનો ફાળો રહ્યો હતો. હરમનપ્રીત કૌરે પોતાની કારકિર્દીની પાંચમી સદી ફટકારી હતી. મહિલા વનડે ક્રિકેટમાં ઈંગ્લેન્ડ સામે ભારતનો આ સર્વોચ્ચ સ્કોર છે. આ પહેલા ભારતે 2017 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે 281 રન બનાવ્યા હતા. તે ઈંગ્લેન્ડ સામે મહિલા વનડે ક્રિકેટમાં કોઈપણ ટીમનો સર્વોચ્ચ સ્કોર પણ છે.


કેપ્ટન હરમનપ્રીત કૌરની શાનદાર ઇનિંગ


જોકે, પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર શેફાલી વર્મા માત્ર 8 રન બનાવી આઉટ થઇ હતી. જ્યારે છેલ્લી મેચમાં શાનદાર ઇનિંગ રમનાર સ્મૃતિ મંધાના 51 બોલમાં 40 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. બાદમાં યાસ્તિકા ભાટિયાએ 34 બોલમાં 26 રનનું યોગદાન આપ્યું હતું. હરલીન દેઓલે 72 બોલમાં 58 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગ દરમિયાન 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. ભારતીય ટીમની ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકરે 16 બોલમાં 18 રન બનાવ્યા હતા. આ રીતે ભારતીય ટીમે બીજી મેચમાં ઈંગ્લેન્ડ સામે 50 ઓવરમાં જીતવા માટે 334 રનનો ટાર્ગેટ આપ્યો છે.


ભારતીય મહિલા ટીમ એક સમયે 3 વિકેટ ગુમાવીને 99 રન પર સંઘર્ષ કરી રહી હતી, પરંતુ કેપ્ટન હરમનપ્રીત કૌર અને હરલીન દેઓલે શાનદાર ઇનિંગ રમીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રથમ વનડે મેચમાં ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. હવે બીજી મેચમાં યજમાન ટીમ સામે જીત માટે 334 રનનો ટાર્ગેટ છે.