નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે સૂચન કર્યું છે કે વિશ્વના સૌથી સર્વશ્રેષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલીના ત્રણેય ફોર્મેટમના કેપ્ટનનો ભાર હળવો કરવા માટે ટી20માં રોહિત શર્માને કેપ્ટન બનાવવો જોઈએ. રોહિત વનડે અને ટી20માં ભારતીય ટીમનો વાઈસ કેપ્ટન છે અને આઈપીએલમાં સૌથી સફળ કેપ્ટન છે જેણે મુંબઈ ઇન્ડિયન્સની આગેવાની કરતાં તેને 4 ખિતાબ અપાવ્યા છે.

યુવરાજ સિંહે રોહિત શર્માને ટેસ્ટમાં ઑપનિંગ બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવતા કહ્યું કે, “મને લાગે છે કે રોહિત શર્માને ટેસ્ટમાં બહુ પહેલા જ ઑપનિંગમાં તક આપવી જોઇતી હતી.”

યુવરાજ સિંહે કહ્યું કે, “રોહિત શર્માને ટેસ્ટમાં ઘણી મોડા ઑપનિંગમાં તક મળી. ટેસ્ટ મેચમાં બહુ પહેલા જ રોહિત પાસે ઑપનિંગ કરાવવી જોઇતી હતી. ટીમ મેનેજમેન્ટે પહેલા રોહિતને નંબર 6 પર ઉતાર્યો અને પછી ઘણી મેચો માટે તેને પ્લેઇંગ ઇલેવનમાં તક આપવામાં આવી નહીં. ટીમ મેનેજમેન્ટે આ ચક્કરમાં રોહિતનો ઘણો સમય બરબાદ કર્યો.”



રોહિત શર્માને કેએલ રાહુલની જગ્યાએ ઑપનિંગમાં ઉતારવામાં આવશે. રાહુલે ખરાબ ફૉર્મનાં કારણે ટેસ્ટ માંથી બહાર થવું પડ્યું છે. જ્યારે યુવીને પુછવામાં આવ્યું કે શું વિરાટને ટી 20 ફૉર્મેટની કેપ્ટનશિપ માંથી આરામ આપીને રોહિત શર્માને કેપ્ટન બનાવી દેવો જોઇએ? આ વિશે યુવરાજ સિંહે કહ્યું કે, “રોહિત શર્મા ઘણો શાનદાર કેપ્ટન છે અને તેણે આઈપીએલમાં પણ આ કરી બતાવ્યું છે. આ નિર્ણય ટીમ મેનેજમેન્ટે અને વિરાટ કોહલીએ લેવાનો છે કે શું તેઓ આ માટે તૈયાર છે?”