ત્રીજી વન ડેમાં યજમાન વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. ત્યારે વેસ્ટ ઈન્ડિઝના ઓપનર ક્રિસ ગેઈલ અને ઈવિન લૂઈસ ક્રીઝ પર આવ્યા ત્યારે બંનેના હાથે કાળી પટ્ટી બાંધેલી હતી. બન્યું એવું કે, ભારત સામેની મેચના થોડા કલાકો પહેલાં જ ઈવિન લૂઈસના દાદીનું નિધન થયું હતું. ત્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે કાળી પટ્ટી બાંધવાનો નિર્ણય કર્યો હતો.
આ મુશ્કેલ ઘડીમાં પણ બેટ્સમેન લૂઈસે રમવાનો નિર્ણય કર્યો અને ટીમ માટે 29 બોલમાં 43 રન ફટકારીને સારી શરૂઆત કરી. આ ઈનિંગ્સમાં લૂઈસે પાંચ ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા. જો કે, વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ મેચ હારી ગઈ. ભારત-વેસ્ટ ઈન્ડિઝની ત્રીજી વન ડે પહેલા ઈવિન લૂઈસની દાદીનું નિધન થયું હોવાની પુષ્ટિ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર ઈયાન બિશપે કરી. આ મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા ઈયાન બિશપે વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ્સની પહેલી જ ઓવરમાં લૂઈસના દાદાની અવસાનની ખબર આપી હતી.