thetimes.co.ukના અહેવાલ અનુસાર એમસીસી વિવાદિત ઓવર થ્રો નિયમની સમીક્ષા કરવાની તૈયારીમાં છે. ફાઈનલમાં અંતિમ ઓવરમાં બેન સ્ટોક્સના બેટ પર ગપ્ટિલનો થ્રો સ્ટોક્સના બેટને લાગ્યો હતો અને બોલ બાઉન્ડ્રી તરફ ચાલ્યો ગયો હતો. જેમાં બે રન અને ઓવર થ્રો ના ચાર રન મળીને ઇંગ્લેન્ડને કુલ 6 રન મળ્યા હતા. આ કારણે ઇંગ્લેન્ડની ટીમ મેચ ટાઈ કરવામાં સફળ રહી હતી. બાદમાં સુપર ઓવરમાં પણ મેચ ટાઈ રહી હતી અને બાઉન્ડ્રીના આધારે ઇંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવી હતી.
ત્યારે બધાએ ઓવર થ્રોના વધારાના રનના અમ્પાયરના નિર્ણયને સ્વીકાર્યો હતો. જોકે પૂર્વ અમ્પાયર સાઈમ ટોફેલે કહ્યું હતું કે ઇંગ્લેન્ડને 5 રનના બદલે છ રન આપી દીધા હતા. ટોફેલે આઈસીસીના નિયમ 19.8ની ચર્ચા કરતા દાવો કર્યો હતો કે રન લેતા સમયે ફાયદો ત્યારે જ મળે છે જ્યારે બેટ્સમેને થ્રો પહેલા રન પૂરો કરી લીધો હોય, જો તે થ્રો પહેલા ક્રોસ કરી જાત તો તેને ફાયદો થાય. જોકે ફાઇનલમાં જ્યારે ગુપ્ટિલે થ્રો કર્યો ત્યારે બેન સ્ટોક્સ અને રાશિદે ક્રોસ કર્યું ન હતું. આથી તેમને 5 રન જ મળ્યા ગણાય.