India vs West Indies 5th T20 Match Preview: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી ટી20 સીરીઝ હવે ખૂબ જ રોમાંચક મૉડ પર આવી ગઈ છે. પ્રથમ બે ટી20 હારી ગયેલી ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરીને સતત બે મેચોમાં જીતી છે, આ સાથે જ ભારતીય ટીમે સીરીઝમાં 2-2ની બરાબરી કરી લીધી છે. હવે આજે જે પણ ટીમ જીતશે તેના નામે સીરીઝ થશે. 


ફ્લોરિડામાં જીતની 'સિક્સર' ફટકારવા મેદાનમાં ઉતરશે ભારતીય ટીમ - 
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચમી અને અંતિમ ટી20 આજે ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રૉવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ મેદાન પર જીતની સિક્સર ફટકારવા ઈચ્છશે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2019માં અહીં બે મેચ, 2022માં બે મેચ અને ગઈકાલે એટલે કે શનિવારે એક મેચ જીતી છે. આવામાં આજે ટીમ ઈન્ડિયા અહીં સતત છઠ્ઠી મેચ જીતવા ઈચ્છશે. 2016માં વેસ્ટ ઈન્ડિઝે આ મેદાન પર ટીમ ઈન્ડિયાને એક રનથી હરાવ્યું હતું.


કોઇપણ જાતના દબાણ વિના ઉતરશે ટીમ ઇન્ડિયા  - 
ભારત માટે ચોથી મેચમાં યશસ્વી જાયસ્વાલ અને શુભમન ગીલે ઓપનિંગ કર્યું હતું. બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. યશસ્વીએ અણનમ 84 રન બનાવ્યા હતા. શુભમને 77 રનની ઇનિંગ રમી હતી. તેથી ભારત નિર્ણાયક મેચમાં આ બંને બેટ્સમેનોને તક આપી શકે છે. હાર્દિક પંડ્યા કોઈપણ ફેરફાર વિના પાંચમી ટી20 મેચમાં ઉતરી શકે છે. 


બે ફેરફાર કરી શકે છે વેસ્ટ ઇન્ડિઝ - 
વેસ્ટ ઈન્ડિઝ માટે આ સીરીઝમાં અત્યાર સુધીની તમામ મેચોમાં બ્રેન્ડન કિંગે ઇનિંગ્સની શરૂઆત કરી છે, પરંતુ અંતિમ મેચમાં કેરેબિયન ટીમ કાયલી મેયર્સ સાથે જોન્સન ચાર્લ્સને ઓપનિંગમાં ઉતારી શકે છે. આ પછી શાઈ હૉપ ફરી એકવાર ત્રીજા નંબર પર રમતો દેખાઇ શકે છે, કારણ કે તેણે ચોથી ટી20માં 45 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. આ સાથે જ અલઝારી જોસેફ પણ ટીમમાં વાપસી કરી શકે છે.


મેચમાં કોનું પલડું ભારે ?
વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં ઘણા ટી20 સ્પેશ્યાલિસ્ટ ખેલાડીઓ છે, પરંતુ સ્પિન તેમની નબળી કડી છે. ચોથી ટી20માં પણ કેરેબિયન ટોપ ઓર્ડરે ભારતીય સ્પિનરો સામે શરણાગતિ સ્વીકારી હતી. આ ઉપરાંત ટીમ ઈન્ડિયા યુવા ખેલાડીઓથી સજ્જ છે, જેઓ નીડર ક્રિકેટ રમી રહ્યા છે. આવામાં આ મેચમાં ટીમ ઈન્ડિયાનો દબદબો છે.