જ્યારથી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ છે ત્યારથી મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ચર્ચામાં છે. ત્યાર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરૂદ્ધ તેના અણનમ 79 રન બનાવવાથી તો ભારતીય ક્રિકેટ ટીમના સીલેક્ટર્સની ટીકા થવા લાગી છે.

સૂર્યકુમાર વિતેલા ત્રણ વર્ષથી સતત આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે સારું પ્રદર્શન કરી રહ્યા છે. તેની સાથે જ ઘરેલુ ક્રિકેટમાં પણ તેનું પ્રદર્શન સારું છે. તેમ છતાં હજુ સુધી તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન નથી મળ્યું. તેને લઈને અનેક પૂર્વ ક્રિકેટર પણ સવાલ ઉઠાવી ચૂક્યા છે.

ભલે ફેન્સ અને પૂર્વ ક્રિકેટર હવે સૂર્યકુમારના વખાણ કરતા હોય અને તેને ટીમ ઇન્ડિયામાં રમાડવાની તરફેણ કરતાં હોય. પરંતુ ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ તો 2011માં જ તેના સ્ટાર બનવાની ભવિષ્યવાણી કરી દીધી હતી.

રોહિત શર્માનું 9 વર્ષ જૂનું એક ટ્વીટ હાલમાં વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટમાં રોહિતે સૂર્યકુમાર યાદવના ખૂબ વખાણ કર્યા હતા અને તેને ભવિષ્યનો સ્ટાર ગણાવ્યો હતો. રોહિતે આ ટ્વીટ બીસીસીઆઈ એવોર્ડ ખત્મ થયા બાદ ચેન્નઈમાં કર્યું હતું.

રોહિતે પોતાના ટ્વીટમાં લખ્યું હતું, “હાલમાં ચેન્નઈમાં બીસીસીઆઈ એવોર્ડ ખત્મ થયા છે. કેટલાક શાનદાર ખેલાડી આવવાના છે. મુંબઈના સૂર્યકુમાર યાદવને તમે ભવિષ્યમાં જોશો.”

નોંધનીય છે કે, આઈપીએલ 2020માં સૂર્યકુમાર યાદવ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. આ સીઝનની 12 મેચમાં તેણે 40.22ની સરેરાશ અને 155.36ની સ્ટ્રાઇક રેટથી 362 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 48 ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા છે. તેના આ પ્રદર્શનને જોઈને કેટલાક વિદેશી ખેલાડી પણ તેના વખાણ કરી રહ્યા છે. ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટરે સ્કોટ સ્ટાયરિસે તો તેને ન્યૂઝીલેન્ડમાંથી રમવાની ઓફર આપી દીધી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરૂદ્ધ સૂર્યકુમાર યાદવની શાનદાર બેટિંગ જોયા બાદ ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર સ્કોટ સ્ટાયરિસે ટ્વીટ કરીને કહ્યું, “જો સૂર્યકુમાર યાદવ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવા માગે છે તો તે વિદેશ જઈ શકે છે. કદાચ ન્યૂઝીલેન્ડ પણ...”