Hardik Pandya Thanks Team India fans: ટી20 વર્લ્ડકપમાંથી ભારતીય ટીમ બહાર ફેંકાઈ ગઈ છે. પ્રથમ મેચમાં પાકિસ્તાન અને બીજી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે મળેલી હાર બાદ ભારતીય ટીમ સેમિ ફાઈનલ સુધી પહોંચી શકી નથી. ભારતીય ટીમના પ્રદર્શનથી ક્રિકેટ ફેન્સ નિરાશ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ભારતીય ક્રિકેટ ફેન્સનો આભાર માન્યો છે અને ટીમ ઈન્ડિયા વાપસી કરશે તેવો ભરોસો આપ્યો છે.
શું કહ્યું હાર્દિક પંડ્યાએ
હાર્દિક પંડ્યાએ ટ્વીટ કરીને કહ્યું, વર્લ્ડકપમાં અમે આવું અભિયાન નહોતા ઈચ્છતા. અમે પાછળ રહી ગયા. ફેન્સે જે ભરોસો અને સમર્થન આપ્યું તે ચુકવવા માટે અમે મહેનત કરીશું. સ્ટેડિયમમાં આવીને અને ઘરે રહીને જે લોકોએ ટીમ ઈન્ડિયાને ચીયર કર્યુ તે તમામ લોકોનો આભાર.
હાર્દિક પંડ્યાની પણ થઈ રહી છે આલોચના
ટીમ ઈન્ડિયા બહાર થવાની સાથે જ હાર્દિક પંડ્યાએ પણ આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાન સામે મળેલી હાર બાદ હાર્દિક ફેન્સના નિશાન પર છે. આ મેચમાં તેના ખભામાં ઈજા થઈ હતી અને બોલિંગ નહોતો કરી શક્યો. ટીમ ઈન્ડિયાને આ મુકાબલામાં છઠ્ઠા બોલરની ખોટ વર્તાઈ હતી. જોકે તેણે ન્યૂઝીલેન્ડ સામે બોલિંગ કરી હતી પણ ફોર્મમાં નહોતો જોવા મળ્યો.
આ ઉપરાતં સમગ્ર ટુર્નામેન્ટમાં પણ તેણે સરેરાશ બેટિંગ કરી હતી. ટીમને જ્યારે તેની આક્રમક બેટિંગની જરૂર હતી ત્યારે જ નિષ્ફળ ગયો હતો. ટુર્નામેન્ટમાં ત્રણ ઈનિંગમાં 69 રન બનાવ્યા હતા. જેમાં અફઘાનિસ્તાન સામે 35 રનની ઈનિંગ પણ છે. બીસીસીઆઈ હાર્દિક પંડ્યાને ન્યૂઝીલેન્ડ સામે રમાનારી ઘરેલુ સીરિઝમાં આરામ આપી શકે છે. 17 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડ સામે ટી20 સીરિઝની શરૂઆત થશે.
ન્યૂઝીલેન્ડનો ભારત પ્રવાસ
- પ્રથમ ટી20, 17 નવેમ્બર, જયપુર
- બીજી ટી20, 19 નવેમ્બર, રાંચી
- ત્રીજી ટી20, 21 નવેમ્બર, કોલકાતા
- પ્રથમ ટેસ્ટ, 25-29 નવેમ્બર, કાનપુર
- બીજી ટેસ્ટ, 3-7 ડિસેમ્બર, મુંબઈ