T20 WC: ગઇકાલે ભારત અને નામિબિયા વચ્ચે આઇસીસી ટૂર્નામેન્ટની ગૃપ મેચની છેલ્લી મેચ રમાઇ, આ મેચમાં ભારતીય ટીમ શાનદાર જીત મેળવીને વિદાય લીધી, પરંતુ આ એક ઘટનાએ બધાનુ ધ્યાન ખેંચ્યુ છે, અને તે છે કોહલીની કેપ્ટન તરીકેની છેલ્લી મેચમાં બેટિંગ ના કરવાનુ કારણ. સોશ્યલ મીડિયા પર આ વાત હવે ચર્ચાનો વિષય બની છે, પરંતુ મેચ બાદ કોહલીએ આ વાતનો ખુલાસો કરી દીધો હતો. માનવામાં આવી રહ્યુ છે કે આ વિરાટ કોહલીની કેપ્ટન તરીકેની છેલ્લી મેચ હતી અને હવે પછી ટીમ ઇન્ડિયાને નવો કેપ્ટન મળી જશે.

 

મેચમાં નામિબિયાએ પહેલા બેટિંગ કરતાં 132 રન બનાવ્યા હતા, જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે મજબૂત શરૂઆત કરીને જીતની નજીક પહોંચી ગઇ હતી. આવા સમયે રોહિત શર્માની વિકેટ પડતાં વન ડાઉન પર કેપ્ટન કોહલી બેટિંગ કરવા આવવાનો હતો, તે પેડ, બેટ અને હેલમેટ પહેરીને તૈયાર થઇને ક્રિઝ પર આવવાની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ તેને અચાનક સૂર્યકુમારને મોકલી દીધો હતો, તેની જગ્યાએ સૂર્યકુમાર બેટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો. કોહલી પોતે કેમ બેટિંગ કરવા મેદાનમાં ના આવ્યો તે અંગે કોહલીએ ખુદ ખુલાસો કર્યો હતો.

 

મેચ બાદ આ વાતનો ખુલાસો કરતાં કેપ્ટન કોહલીએ કહ્યું કે, સૂર્યને ક્રિઝ પર વિતાવવા માટે વધુ સમય નથી મળ્યો અને મે વિચાર્યુ કે આ તેના માટે સારી યાદ રહેશે. એક યુવા ખેલાડી તરીકે તમે વર્લ્ડકપમાંથી કંઇક સારી યાદો લઇને જવા ઇચ્છો છો.