નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટે પોતાની 16 વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરને વિરામ આપી દીધો. 39 વર્ષીય ધોની હવે માત્ર આઇપીએલમાં જ રમતો દેખાશે. ધોનીના સન્યાસની ગણતરીની મિનીટોમાં જ સાથી ખેલાડી-મિત્ર અને ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાએ પણ ક્રિકેટને અલવિદા કહી દીધુ.


ધોની અને રૈનાએ એક સાથે ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી, હાલ બન્ને ચેન્નાઇમાં છે, અને ચેન્નાઇ સુપર કિંગ્સ સાથે જોડાઇ ચૂક્યા છે. પરંતુ ખાસ વાત છે કે બન્ને સન્યાસની જાહેરાત કર્યા બાદ એકબીજાના ગળે મળ્યા હતા. સીએસકેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં ધોની અને રૈના એકબીજાને ગળે મળતા દેખાઇ રહ્યાં છે.

ધોની અને રૈનાના સન્યાસની જાહેરાત બાદનો આ પહેલો વીડિયો છે, જે સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. રૈના 14 ઓગસ્ટે જ આઇપીએલ ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેવા માટે ચેન્નાઇ પહોંચ્યો હતો અને બન્નેએ 15 ઓગસ્ટે સન્યાસની જાહેરાત કરી દીધી હતી. વીડિયોમાં ધોની અને રૈનાની સાથે સીએસકેના અન્ય ખેલાડીઓ પણ દેખાઇ રહ્યાં છે.



કેપ્ટન કૂલ ધોનીની ક્રિકેટ કેરિયર....
દુનિયા સૌથી સફળ કેપ્ટન પૈકી એક ધોનીએ 500થી વધુ ઈન્ટરનેશનલ મેચ રમી છે, ધોની ભારતને ન માત્ર ટી20 વર્લ્ડકપ, પણ 28 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયન પણ બનાવ્યું, સાથે ટેસ્ટ ક્રિકેટમાં પણ ટીમ ઈન્ડિયાને પહેલીવાર નંબર 1 બનાવવાનો શ્રેય પણ ધોનીને જાય છે.

ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત નોટ આઉટ રહીને 4876 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે. તેણે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન નોટઆઉટ છે. ભારતને 2007નો ટી-20 વર્લ્ડકર જીતાડનારા કેપ્ટન ધોનીએ 98 ટી-20 મેચમાં 42 વખત નોટ આઉટ રહીને 1617 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે.



રૈનાની ક્રિકેટ કેરિયર....
33 વર્ષીય સુરેશ રૈનાએ પણ 15મી ઓગસ્ટ 2020ના દિવસે ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. રૈનાએ 2005માં 30 જુલાઈના રોજ શ્રીલંકા સામે વન ડે ડેબ્યૂ કર્યું હતું. 17 જુલાઈ, 2018ના રોજ ઈંગ્લેન્ડ સામે અંતિમ વન ડે રમ્યો હતો. શ્રીલંકા સામે 26 જુલાઈ, 2010ના રોજ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 1 ડિસેમ્બર, 2006ના રોજ સાઉથ આફ્રિકા સામે ટી-20 ડેબ્યૂ કર્યું હતું.

રૈનાએ 18 ટેસ્ટમાં 1 સદી અને 7અડધી સદી વડે 768 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 120 રન છે. 226 વન ડેમાં રૈનાએ 35 વખત નોટ આઉટ રહીને 5615 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 5 સદી અને 36 અડધી સદી લગાવી છે અને 116 નોટ આઉટ શ્રેષ્ઠ સ્કોર છે. ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાએ 78 ટી-20માં એક સદી અને 5 અડધી સદીની મદદથી 1605 રન બનાવ્યા છે.