રાંચી: ઝારખંડની રાજધાની રાંચીના રહેવાસી અને ટીમ ઈન્ડિયાને કેપ્ટ રહી ચૂકેલા મહેન્દ્રિસિંહ ધોનીએ શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી દીધી છે. તેની વચ્ચે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને બીસીસીઆઈને ધોની માટે ફેઅરવેલ મેચનું આયોજન રાંચીમાં કરવાની અપીલ કરી છે.


મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા શનિવારે સાંજે જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં મુખ્યમંત્રી સોરેને કહ્યું કે, “દેશ અને ઝારખંડને ગર્વ અને ઉત્સાહની અનેક ક્ષણ આપનાર માહીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. આપણા બધાના પ્રિય ઝારખંડના લાલ માહીને હવે આપણે ટીમ ઈન્ડિયાની જર્સીમાં નહીં જોઈ શકીએ, પરંતુ દેશવાસીઓનું દિલ હજુ પણ ભરાયું નથી. ”

તેમણે બીસીસીઆઈને અપીલ કરતા કહ્યું કે, “અમારા માહીની એક ફેઅરવેલ મેચ રાંચીમાં રમાઈ જેનું સાક્ષી સમગ્ર વિશ્વ બને. બીસીસીઆઈને અપીલ કરવા માંગું છું. માહીની એક ફેઅરવેલ મેચ રમાડવામાં આવે, જેની યજમાની ઝારખંડ કરશે.”

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારે નિવૃત્તિની જાહેરાત કરી હતી. ભારતના સૌથી સફળ કેપ્ટન પૈકીનો એક ધોની ગત વર્ષે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી સેમી ફાઈનલમાં છેલ્લી વખત ટીમ ઈન્ડિયા તરફથી રમ્યો હતો.

ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર ચાર મિનિટનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેના ક્રિકેટ જીવનકાળની ઝલક નજરે પડે છે અને બેક ગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું છે. ઈન્સ્ટા પોસ્ટમાં તેણે કહ્યું, હવે મને રિટાયર માની લો. સપોર્ટ કરવા માટે ફેંસનો આભાર.