નવી દિલ્હીઃ પાકિસ્તાનના ઝડપી બોલર શોએબ અખ્તરે ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહની પ્રશંસા કરી છે. અખ્તરે બુમરાહને ચતુર ઝડપી બોલર ગણાવતા કહ્યું છે કે તેણે વિરોધી બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકવા માટે તે કળા શીખી લીધી છે જે કળા પાકિસ્તાની બોલર્સ પાસે હતી. વિશ્વના સૌથી ઝડપી બોલર્સમાં સામેલ અખ્તર બુમરાહથી ઘણો જ પ્રભાવિત થયો છે.


અખ્તરે એક ચેનલ સાથે વાતચીત દરમ્યાન બુમરાહના કૌશલ્ય અંગે કહ્યુ હતુ. શોએબે કહ્યુ હતુ કે, ભારતનો એ કદાચ પહેલો બોલર છે જે પિચ પર ઘાસ જોવાના પહેલા જ હવા ની દિશા અને ઝડપ ને જાણી લે છે. આ કળા પહેલા પાકિસ્તાનના બોલર પાસે હતી. અમે જાણતા હતા કે હવાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે. તેણે વાસિમ અકરમ અને વકાર યુનૂસનુ પણ ઉદાહરણ આપતા સમજાવ્યુ કે તેઓ પણ કેવી રીતે હવાનો ઉપયોગ કેવી રીતે કરતા હતા.



અખ્તરે કહ્યું હતું કે, હું, વસીમ ભાઈ અને વકાર ભાઈ હવાની ગતિ અને દિશા જોઈને નક્કી કરતા હતા કે કયા છેડેથી બોલિંગ કરવાથી અમને રિવર્સ સ્વિંગ મળશે. અમે ઝડપી બોલિંગના મિકેનિક અને એરો ડાયનેમિક્સને જાણતા હતા. અમને ખબર હતી કે દિવસના કયા સમયે કેટલી સ્વિંગ મળશે. હું જાણું છું કે બુમરાહ આ પ્રકારની બાબતોને જાણે છે.

મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિર બાદ ચતુરાઈના મામલે બુમરાહ સૌથી શ્રેષ્ઠ બોલર છે. બુમરાહ ફક્ત પાંચ સેકન્ડની અંદર બેટ્સમેનોને ડરાવી દે છે. વિકેટ લેવાની ક્ષમતાના કારણે બુમરાહ ફક્ત પાંચ સેકન્ડમાં બેટ્સમેનોને ડરાવી દે છે, તેમ ભૂતપૂર્વ પાકિસ્તાની ઝડપી બોલરે જણાવ્યું હતું.