નવી દિલ્હીઃ આઇપીએલ ઇતિહાસમાં પહેલીવાર અમેરિકન ક્રિકેટર રમતો દેખાશે. કોલકત્તા નાઇટરાઇડર્સે 29 વર્ષીય ફાસ્ટ બૉલર અલી ખાન સાથે કૉન્ટ્રાક્ટ કર્યો છે. અલી ખાન ઇજાગ્રસ્ત હૈરી ગર્નીની જગ્યાએ ટીમમાં સામેલ થશે. હેરી ગર્ની ખભાની ઇજા થવાથી હાલ આઇપીએલમાંથી બહાર થયો છે. આ વર્ષે આઇપીએલ 19 સપ્ટેમ્બરથી યુએઇમાં શરૂ થશે.


અલી ખાન ત્રિનબાગો નાઇટરાઇડર્સની ટીમમાં સામેલ હતો, જેને કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં અપરાજય રહેતા ખિતાબ પર કબજો જમાવ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં અલી ખાને આઠ મેચોમાં 7.43ની ઇકૉનોમીથી 8 વિકેટ ઝડપી હતી. રિપોર્ટ પ્રમાણે અલી ખાન ગઇ સિઝનમાં કેકેઆરના રડાર પર હતો પરંતુ કોઇ ડીલ ન હતી થઇ શકી.



ઉલ્લેખનીય છે કે, કેરેબિયન પ્રીમિયર લીગનો ખિતાબ જીતનારી ત્રિનબાગો નાઇટરાઇડર્સ અને કેકેઆરની માલિક કંપની એક જ છે. બૉલીવુડ સ્ટાર શાહરૂખ ખાન આ બન્ને ટીમોનો માલિક છેો. વર્ષ 2018માં અલી ખાને ગ્લૉબલ ટી20 કેનેડા દરમિયાન ઓળખ મેળવી હતી, અહીં તેને સ્ટાર ઓલરાઉન્ડર બ્રાવોનુ ધ્યાન ખેંચ્યુ હતુ. તેને બ્રાવો સીપીએલમાં લઇને આવ્યો હતો.

અલી ખાને તે વર્ષે ગુયાના અમેઝોન વૉરિયર્સ માટે 12 મેચોમાં 16 વિકેટ ઝડપી હતી, તે ટૉપ વિકેટ ટેકરમાં બીજા નંબરના સ્થાને રહ્યો હતો. અલી ખાન અત્યાર સુધી 36 ટી20માં 38 વિકેટો ઝડપી છે. 140ની સ્પીડથી બૉલિંગ ફેંકનારો અલી ખાન ડેથ ઓવરોમાં સારુ પરફોર્મન્સ આપી રહ્યો છે.